ગોસા ગામે બસમાંથી ઉતરી રહેલ માતા-પુત્રી ઉપર બે શખ્સો દ્વારા ઘાતક હુમલો

  • ગોસા ગામે બસમાંથી ઉતરી રહેલ માતા-પુત્રી ઉપર બે શખ્સો દ્વારા ઘાતક હુમલો
    ગોસા ગામે બસમાંથી ઉતરી રહેલ માતા-પુત્રી ઉપર બે શખ્સો દ્વારા ઘાતક હુમલો

પોરબંદર તા.4
પોરબંદર નજીકના ગોસા ઘેડ ગામે બસસ્ટેશન પર બસમાંથી ઉતરી રહેલ માતા-પુત્રી ઉપર બે શખ્સો દ્વારા ઘાતક હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે પોરબંદર ખસેડાઈ છે. ગોસા ગામે રહેતા શોભનાબેન પ્રવિણ મકવાણા નામની મહિલાએ એવા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે થોડા દિવસો પહેલા તેની દીકરી અભ્યાસ કરવા માટે બસમાં અપ-ડાઉન કરતી ત્યારે એરડાના કાના ભારા ઓડેદરા અને ભડના કાના હરદાસ મોઢવાડીયાએ ગેરવર્તન કર્યું હતું. જે-તે વખતે મહિલા હેલ્પલાઈન 181 ને બોલાવવામાં આવી હતી અને તેની દરમિયાનગીરીથી સમાધાન થયું હતું અને માફી પણ એક યુવાને માંગી લીધી હતી. ત્યારબાદ ગઈકાલે શોભનાબેન અને તેની દીકરી ગોસા ઘેડ ગામના બસસ્ટેન્ડ ઉપર બસમાંથી નીચે ઉતરતા હતા ત્યારે કાના ભારા ઓડેદરા અને કાના હરદાસ મોઢવાડીયા ત્યાં ધસી આવ્યા હતા અને બસના દરવાજા આડે ઉભા રહી ગયા હતા. આથી શોભનાબેને તેઓને સાઈડમાં જવાનું કહેતા કાના ભારા ઓડેદરાએ તેના વાળ ખેંચી નીચે પછાડી પાટુ મારવા લાગ્યો હતો. તેની દીકરી વચ્ચે પડતા તેના પણ વાળ ખેંચીને કાના ભારા તથા કાના હરદાસે જતા-જતા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત બનેલ શોભનાબેનને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમણે ગુન્હો નોંધાવ્યો છે.