અમદાવાદથી ચોરેલી કાર સાથે રાજકોટના શખ્સની ધરપકડ

  • અમદાવાદથી ચોરેલી કાર સાથે રાજકોટના શખ્સની ધરપકડ
    અમદાવાદથી ચોરેલી કાર સાથે રાજકોટના શખ્સની ધરપકડ

રાજકોટ તા.4
રાજકોટમાં મિલ્કત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવાની સુચના અન્વયે ડીસીબીના સ્ટાફે અમદાવાદથી ચોરેલી કાર અને મોરબીથી ચોરાયેલા બાઇક સાથે બે શખ્સોને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મિલ્કત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી અહેમદ, ડીસીપી સૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સુચનાથી ડીસીબી પી.આઇ. એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ધાંધલ્યા અને ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન અભીજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા અશોકભાઇ ડાંગરને મળેલી બાતમી આધારે પ્રદીપસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળાને સાથે રાખીને ઢેબર કોલોની મફતીયાપરા પાસેથી એસ્ટીમ કાર સાથે નવલનગરના અમીત ભરતભાઇ સકડેચા નામના શખ્સને ઝડપી લઇ પુછપરછ કરતા પોતે અમદાવાદ મીરજાપુર ખાતે આવકાર ઓટો મોબાઇલ્સ નામના ગેરેજમાં નોકરી કરતો ત્યાંથી એકાદ મહિના પહેલા ચોરી કરીને રાજકોટ લાવી ફેરવતો હોવાની કબુલાત આપતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમના અમીતકુમાર અગ્રાવત, યોગેન્દ્રસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજાની બાતમી આધારે વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, ફિરોજભાઇ શેખ, સોકતભાઇ ખોરજા સહિતનાઓને સાથે રાખીને મુળ દાહોદના હાલ મોરબી-માળીયા રોડ ઉપર રહેતા અલ્પેશ કનુભાઇ પરમાર નામના પટેલ શખ્સને કુવાડવા રોડ પરથી ચોરાઉ એકટીવા સાથે દબોચી લીધો હતો. આ એકટીવા પોતે મોરબી નવા બસ સ્ટેન્ડમાંથી દસ દિવસ પહેલા ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.