જૂનાગઢમાં ધો. 3ની વિદ્યાર્થીને શિક્ષિકાએ તમાચા ઝીકતા ઇજા

  • જૂનાગઢમાં ધો. 3ની વિદ્યાર્થીને શિક્ષિકાએ તમાચા ઝીકતા ઇજા
    જૂનાગઢમાં ધો. 3ની વિદ્યાર્થીને શિક્ષિકાએ તમાચા ઝીકતા ઇજા

જુનાગઢ તા. 4
જુનાગઢની નેબ્યુલા પ્રાઇમરી સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે, આજે એક ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને સ્કૂલની શિક્ષિકાએ ગાલ પર થપ્પડ મારી દેતા દુખાવો અને ભય સહન ન કરનાર આઠ વર્ષની બાળકીને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેમના વાલીઓ દ્વારા આ શાળાના સંચાલક અને શિક્ષિકા સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરાઇ છે.
શિક્ષણ સમાજ માટે શરમજનક આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં આવેલી નેબ્યુલા સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતી 8 વર્ષીય વિદ્યાર્થીની શુબ્રાબેન હાલાને તેમની શાળાની શિક્ષિકાએ બેન્ચ નીચે પડી ગયેલા રબર લેવાની બાબતે ગુસ્સે ભરાઈને ગાલ ઉપર થપ્પડો મારી દેતા, વિદ્યાર્થિનીના ગાલ ઉપર ચાંભા ઉઠી જવા પામ્યા હતા અને બાળકી ભયભીત થઈ ગઈ હતી.
આ બાબતની ઘરે જઈને દીકરીએ ધ્રુસકે ધ્રુસકે રડતા પરિવારજનોને જાણ કરાતા પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે બાળકીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે, અને ફુલ સમાન બાળકી ઉપર શિક્ષણ અને સંસ્કાર આપવાના બદલે શિક્ષિકા દ્વારા કરાયેલ અત્યાચાર સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે પરિવારજનોએ તજવીજ હાથધરી છે.
અત્રે નોંધનીય છે કે, હમણાં થોડા માસ પહેલા જ આ શાળાની એક શિક્ષીકાએ અન્ય એક વિદ્યાર્થીને વાંસાના ભાગે માર મારતા બી ડિવિઝન પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી હતી, ત્યારે ટૂંકા ગાળામાં જ આ જ શાળાની અન્ય એક શિક્ષીકાએ આઠ વર્ષીય બાળકીને ગાલે નજીવી બાબતે ગુસ્સે ભરાઈ થપ્પડ ઝીંકી દેતા આ ઘટના જૂનાગઢના શિક્ષણ જગત માટે શરમજનક બનવા પામી છે.