અમરેલી-જૂનાગઢમાં માવઠું: ફરી કપાસ-મગફળી પલળ્યા

  • અમરેલી-જૂનાગઢમાં માવઠું: ફરી કપાસ-મગફળી પલળ્યા
    અમરેલી-જૂનાગઢમાં માવઠું: ફરી કપાસ-મગફળી પલળ્યા
  • અમરેલી-જૂનાગઢમાં માવઠું: ફરી કપાસ-મગફળી પલળ્યા
    અમરેલી-જૂનાગઢમાં માવઠું: ફરી કપાસ-મગફળી પલળ્યા

રાજકોટ, તા.3
અરબી સમુદ્રમાં એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં ચોમાસુ રિર્ટન્સ થયું હોય તેમ અમરેલી, જુનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં આજે બપોર પછી કમોસમી વરસાદ પડ્યો હતો, વરસાદના કારણે ખુલ્લામાં અને યાર્ડમાં રાખવામાં આવેલ કપાસ-મગફળી સહિતની જણસીઓ પલળી જતા વેપારી, ખેડૂતોને ફરી લાખો રૂપિયાનું નુકશાન થયું છે.
નવેમ્બર મહિનો પુરો થઇ ગયો છે, છતાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાએ રફતાર પકડી નથી છેલ્લા બે-ચાર દિવસથી શિયાળાએ અસ્સલ મિજાજ બતાવ્યો છે અને અમુક શહેરોમાં તાપમાન પ્રથમ વખત એક આંકડામાં પહોંચી ગયું છે ત્યારે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
દરમિયાન આજે બપોર પછી અચાનક હવામાન પલ્ટો થયો હતો અમરેલીના વડીયા સહિત ભાખરવડ, માતરવાણીયા, વિરડી, કેશોદ, માળીયા હાટીના, વંથલી, અમરાપુર, માણાવદર, કાત્રાસા, આંબરગઢ, નરસિંગડા, અજાબ, કેવદ્રાસામાં ઝાપટાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા હાટીના તથા વંથલી પંથકમાં આજે સાંજના અચાનક જ માવઠું પડતાં આ વિસ્તારમાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, કમોસમી વરસાદના કારણે કેશોદ માર્કેટિંગ યાર્ડ માં ટેકાના ભાવે ખરીડાયેલ મગફળીની બે હજાર જેટલી બોરીઓ પલળી જવા પામી હતી.
જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા હાટીના અને વંથલી પંથકમાં આજે સાંજના પાંચ વાગ્યાના અરસામાં અચાનક જ અડધાથી એક ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો, એકાદ કલાક થયેલ આ માવઠાના કારણે સમગ્ર પંથકમાં પાણી પાણી થઇ જવા પામ્યું હતું, જો કે કેશોદના અમુક ગામોમાં તો એક ઇંચ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયા હોવાના વાવડ મળી રહ્યા છે. કેશોદ, માળિયા અને વંથલીમાં કમોસમી વરસાદના કારણે રોડ ઉપર પાણી નીકળી જવા પામ્યા હતા,
દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદની માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ખરીદાયેલા ટેકાના ભાવની મગફળીની લગભગ 2000થી વધુ ગુણીઓ પલડી જતા લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ થઈ રહયો છે.
માણાવદર
માણાવદર પંથકમાં સાંજે પોણા સાત વાગ્યે પવન સાથે વરસાદ શરુ થયો હતો, વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા, ખુલ્લા ગ્રાઉન્ડમાં જીનીંગમાં પડેલ કપાસ પલળતા દોડધામ મચી જવા પામી હતી, સાથે કપાસીયા તેમજ કપાસીય ખોળ ઘણી જગ્યાએ પડેલ હોય ત્યાં પલળી ગયો હતો, ઘણા ખેતરોમાં ચારો પડ્યો તે પલળ્યો હતો ઘણા ખેતરોમાં ચારો પડયો તે પલળ્યો હતો, મટીયાણા તરફ અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યાનું સરપંચ રાજુભાઇ બોરખતરીયાએ જણાવ્યું હતું.
હાલમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે દરિયામાં કરંટ થવાની શકયતાને લઇ વહીવટી તંત્ર દ્વારા સાગર ખેડૂઓને આગામી તા.3 થી 7 સુધી દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે અને પીપાવાવ પોર્ટ તથા જાફરાબાદ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવાયું છે.
હાલમાં અમરેલી જિલ્લાની 700 જેટલી બોટ હાલ દરિયામાં માચ્છીમારી કરવા માટે ગયેલી હોય આ તમામ બોટને સાવચેત રહેવા તથા દરિયામાં બોટ ઉછળવાની શકયતાને લઇ સાવચેત પણ કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે, જાફરાબાદના દરિયામાં 500 થી 700 જેટલી બોટ હોય તમામ બોટને પરત કાંઠે આવી જવા સૂચના આપવામાં આવી છે.