રાજકોટમાં સહકારી મંડળી ઉઠી જતા હાડવૈધે દવા પી લીધી

  • રાજકોટમાં સહકારી મંડળી ઉઠી જતા હાડવૈધે દવા પી લીધી
    રાજકોટમાં સહકારી મંડળી ઉઠી જતા હાડવૈધે દવા પી લીધી

રાજકોટ તા. 3
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી સહકારી મંડળીમાં મવડીમાં રહેતા હાડવૈદ આધેડ ડેઇલી બચતમાં નાણા રોકાણ કર્યા હોય જે બચતની રકમ લેવા જતા મંડળીના સંચાલક અને સભ્યએ ‘મંડળી ઉઠી ગઇ છે પૈસા નથી’ તેમ કહી હાથ ઊચાં કરી લેતાં હાડવૈદ્ય આઘાતમાં આવી ત્યાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર હરીદ્વાર સોસાયટીમાં રહેતા સંજયભાઇ ભીખુભાઇ શીશાંગીયા (ઉ.વ.45) નામના વાળંદ આધેડ ગઇ કાલે સાંજે 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ખુશ સહકારી મંડળીમાં બચત કરેલા રૂા. 1 લાખ લેવા જતાં મંડળીના માલીક કનકસિંહ અને સભ્ય લલીત ગોંડલીયાએ ‘મંડળી ઉઠી ગઇ છે પૈસા નથી’ તેમ કહેતા સંજયભાઇએ આઘાતમાં આવી ત્યાં જ ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે તાલુકા પોલીસ મથકના પી.આઇ જે.વી. ધોળા સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ સંજયભાઇનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમીક તપાસમાં સંજયભાઇ હાડવૈદ છે અને પ્લાસ્ટર પાટા બાંધી સારવારનું કામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે ખુશ સહકારી મંડળીમાં ડેઇલી બચતના રોજના રૂા. 450 લેખે એક લાખ જમા કરાવ્યા હતા દરમિયાન તેમને પૈસાની જરૂરીયાત ઉભી થતા ગઇ કાલે સાંજે તેઓ સહકારી મંડળીની ઓફીસે પૈસા લેવા ગયા હતા. ત્યારે મંડળીના માલીક અને સભ્યએ ‘મંડળી ઉઠી ગઇ છે’ કહી પૈસા પરત હોવાની ના પાડી હાથ ઉંચા કરી લેતાં આઘાતમાં આવી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.