પડધરી પાસે અકસ્માતમાં બે કોલેજીયનના મોત

  • પડધરી પાસે અકસ્માતમાં બે કોલેજીયનના મોત
    પડધરી પાસે અકસ્માતમાં બે કોલેજીયનના મોત

રાજકોટ તા.3
રાજકોટમાં પરીક્ષા આપી વાગુદડ ગામે પરત ફરતા બે કોલેજીયન યુવાનના બાઈકને તરધડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાઈક સવાર બંને કોલેજીયન યુવાનના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા પરીવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાત સર્જાયો છે.
આહ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર વાગુદડ ગામે રહેતા અને પડધરી સરકારી કોલેજમાં અભ્યાસ કરતા લકીરાજસિંહ સહદેવસિંહ ઝાલા (ઉ.વ.20) અને શકિતસિંહ જાલુભા જાડેજા (ઉ.વ.24) નામના બંને કોલેજીયન છાત્રો રાજકોટમાં ન્યારા પાસે આવેલી ગાર્ડી સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યા હતાં. પરીક્ષા આપી પરત વાગુદડ જવા માટે બંને છાત્રો પોતાનું જીજે 10 એબી 9350 નંબરનું બાઈક લઈ જઈ રહ્યા હતાં. ત્યારે પડધરીના તરધડી ગામ પાસે પહોંચતા માતેલા સાંઢની માફક ધસી આવેલા જીજે11 વાય 5320 નંબરના ટ્રકના ચાલકે બાઈકને હડફેટેલા લેતા બંને છાત્રો બાઈક સાથે ફંગોળાયા હતાં. બાઈક અને ટ્રક અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલા બંને કોલેજીયન યુવાનોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતાં. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી છૂટયો હતો. બનાવના પગલે લોકોના ટોળા એકત્રીન થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના અંગે પડધરી પોલીસને
જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બંને યુવાનોના મૃતદેહને પડધરી હોસ્પિટલમાં મોકલી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. શત્રિય સમાજના બે યુવાનોના કરૂણ મોત નિપજતા પરીવારમાં કરૂણ કલ્યાંત સર્જાયો છે. પડધરી પોલીસે ટ્રક કબ્જે કરી નાસી જનાર ચાલકને પકડી પાડવા કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.