વેરાવળ : પી.યુ.સી. સેન્ટર એસો. દ્વારા ફિ વધારાની માંગ

  • વેરાવળ : પી.યુ.સી. સેન્ટર એસો. દ્વારા ફિ વધારાની માંગ
    વેરાવળ : પી.યુ.સી. સેન્ટર એસો. દ્વારા ફિ વધારાની માંગ

વેરાવળ તા.ર
ગીર સોમનાથ જિલ્લાના પી.યુ.સી. સેન્ટર એસો. દ્વારા એ.આર.ટી.ઓ. ને લેખીત રજૂઆત કરી વાહનોના પી.યુ.સી. ની ફી માં વધારો કરવાની માંગ કરેલ છે અને 1પ દિવસમાં ભાવ વધારો કરવામાં નહીં આવે તો જિલ્લામાં ચાલતા પી.યુ.સી. સેન્ટરો બંધ કરી દેવામાં આવનાર હોવાનું જણાવેલ છે.
ગીર સોમનાથ જિલ્લામાં અધિકૃત પી.યુ.સી સેન્ટરના સંચાલકો દ્વારા આર.ટી.ઓ. કચેરીના અધિકારી સહીતનાને પી.યુ.સી. ના ભાવ વધારવા અંગે લેખીતમાં રજુઆત કરી જણાવેલ કે, વર્ષ 1996 થી અત્યાર સુધી પી.યુ.સી. ની ફી માં કોઇ વધારો કરવામાં આવેલ નથી અને છેલ્લા ઘણા વર્ષોથી મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે જેથી કામદારોના પગાર, સ્ટેશનરી ખર્ચ, મશીનરી ખર્ચ, લાઇટ ભાંડો જેવી તમામ પ્રકારની વસ્તુઓમાં ભારે ભાવ વધારો થયો છે તેમ છતાં પી.યુ.સી. ની ફી માં કોઇ પણ જાતનો વધારો કરવામાં આવેલ નથી અને હાલ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે જેમાં ઓનલાઇન પી.યુ.સી. કાઢવામાં આવે છે જેમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, વાઇફાઇ, કોમ્પ્યુટર ઓપરેટ કરવા અલગ માણસ રાખવો પડે છે જે અતિ ખર્ચાળ છે.
આ રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, વર્તમાન સમયમાં પી.યુ.સી. ફી જે લેવામાં આવી રહેલ છે તેમાં પોસાય તેમ નથી જેના કારણે પી.યુ.સી. સેન્ટરોને તાળા મારવાની નોબત પણ આવે તેમ છે જેનાથી હજારો લોકોની રોજી રોટી છીનવાઇ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ છે. હાલ સરકાર દ્વારા ગુજરાતમાં 900 જેટલા પી.યુ.સી. સેન્ટર ખોલવા કવાયત હાથ ધરાઇ છે છતાં અત્યાર સુધી આશરે 140 જેટલી નજીવી અરજીઓ આવવાનું કારણ પણ આ જ છે અને આજની મોંઘવારીમાં પી.યુ.સી. સેન્ટર ચલાવવું આકરૂ બન્યું છે જેથી આ અરજીને ધ્યાને લઇ ભાવ વધારવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો 1પ દિવસમાં માંગ પુરી નહીં થાય તો ગીર સોમનાથ જિલ્લામાં ચાલતા પી.યુ.સી. સેન્ટરો બંધ કરી દેવામાં આવશે તેવું રજૂઆતના અંતમાં જણાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.