લીંબડીમાં એસબીઆઈના એટીએમ તોડવાનો તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ

  • લીંબડીમાં એસબીઆઈના એટીએમ તોડવાનો તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ
    લીંબડીમાં એસબીઆઈના એટીએમ તોડવાનો તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ

વઢવાણ તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની 5રિસ્થિતિ કથળી રહી છે ત્યારે લીંબડી શહેરની મધ્યમાં આવેલ ગ્રીનચોક વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા એસબીઆઈનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જે અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા સીસીટીવી કુટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી.
લીંબડી શહેરની મધ્યમાં આવેલ ગ્રીનચોક વિસ્તારમાં એસબીઆઈ બેન્કનું એટીએમ આવેલ છે જ્યાં લોકોની અવર-જવર તેમજ ગ્રાહકો દ્વારા એટીએમનો ઉપયોગ નિરંતર કરવામાં આવતો હોય છે. ત્યારે આ ભરચક વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેન્કનાં એટીએમને અજાણ્યા શખ્સો દ્વારા તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં એટીએમ મશીનનું લોખંડનું બોક્ષ તોડી તેની અંદર રહેલ કેબલને કાપી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે અજાણ્યા શખ્સોએ ચાલાકી વાપરી સીસીટીવી કેમેરાના કેબલ પણ કાપી નાંખ્યા હતાં જ્યારે આ અંગેની જાણ બેન્કના અધિકારીઓને થતાં પોલીસને જાણ કરી હતી આથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં તેમજ એટીએમમાં રાખેલ સીસીટીવી કેમેરાના આધારે પણ વધુ તપાસ હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ એટીએમ ગ્રીનચોક પોલીસ ચોકીથી ખુબ જ નજીક હોવા છતાં અજાણ્યા શખ્સો દ્વારા કોઈપણ જાતના પોલીસના ડર વગર બીનદાસ રીતે એટીએમને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે અજાણ્યા શખ્સો દ્વારા એટીએમ મશીનમાંથી રોકડ રકમની લુંટ કરવામાં આવી છે કે કેમ ? અથવા ખાલી એટીએમને તોડી નુકશાન પહોંચાડયું છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથધરી છે.