પોરબંદરમાં શરીરમાંથી બગડેલું લોહી કાઢવા માટેની કપીંગ થેરાપીનો કેમ્પ યોજાયો

  • પોરબંદરમાં શરીરમાંથી બગડેલું લોહી કાઢવા માટેની કપીંગ થેરાપીનો કેમ્પ યોજાયો
    પોરબંદરમાં શરીરમાંથી બગડેલું લોહી કાઢવા માટેની કપીંગ થેરાપીનો કેમ્પ યોજાયો

પોરબંદર તા.3
વર્ષો પહેલા પુરાણકાળમાં શરીરમાંથી બગડેલું લોહી કાઢીને સ્વસ્થ રહેવા માટે કપીંગ થેરાપીનો ઉપયોગ થતો હતો. આ પદ્ધતિનો પોરબંદરમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેનો 100 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
પોરબંદરમાં સામાજીક, સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હિજામા (કપીંગ થેરાપી) કેમ્પ યોજાયો હતો. પોરબંદરમાં સુન્ની અંજુમને ઈસ્લામની ઓફિસ ઉપર આવેલ ‘નૂરી હોલ’ ખાતે યોજાયેલા આ હિજામા (કપીંગ થેરાપી) કેમ્પમાં સંસ્થા દ્વારા 3 કપ ફ્રી માં કરી આપવામાં આવ્યા હતા. જેનો 100 લોકોએ લાભ લીધો હતો જેમાં ધોરાજીવાળા ડો. હાજી ઈમરાનભાઈ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. માથાના દુ:ખાવા, કમરના દુ:ખાવા, ઢીંચણના દુ:ખાવા, હ્રદયની તકલીફ, બ્લડપ્રેશર, થાઈરોઈડ, મોટાપો, સ્કીન એલર્જી, આંખના નંબર, ખેંચ આવવી, વેરીકોઈઝ વેઈન, સાઈટીકાની તકલીફ, ડીપ્રેશન જેવા અનેક રોગોના ઉપાય ગણાતી આ કપીંગ થેરાપી વિશે આ કેમ્પમાં વધુ માહિતી આપતા જણાવાયું હતું કે હિજામા એ પ્રાચીન અને સદીઓથી ઉપયોગ કરવામાં આવતી સારવારની પદ્ધતિ છે. જેને આધુનિક રીતે વધુ ઉપયોગી, વધુ સરળ અને અને વધુ ફાયદાકારક બનાવવામાં આવી છે. મનુષ્યની તંદુરસ્તીનો આધાર શુદ્ધ અને સ્વચ્છ લોહી પર હોય છે, 70 ટકાથી વધુ બિમારીઓ શરીરમાં રહેલા વિષાણુયુક્ત લોહી દ્વારા થાય છે, જેના કારણે મનુષ્યની તંદુરસ્તી ઉપર ખરાબ અસર પડે છે અને તે શારીરિક તથા માનસિક બિમારીઓનો ભોગ બને છે. દરેક મનુષ્ય, સ્ત્રી અને પુરૂષોમાં ઓછા-વધુ પ્રમાણમાં વિષાણુયુક્ત લોહી રહેલું હોય છે.
હિજામા દ્વારા શરીરમાં રહેલા આવા વિષાણુયુક્ત લોહીને બહાર કાઢી નાખવામાં આવે છે. ઘણી બિમારીઓ કે જેમાં મોંઘાદાટ ઈલાજ કરવાથી પણ રાહત નથી મળતી તેવી બિમારીઓમાં પણ રેગ્યુલર હિજામા કરવાથી રાહત મળે છે. જુની હઠીલી બિમારીઓમાં પણ આશિર્વાદરૂપ છે. હિજામા સ્ત્રી-પુરૂષ તથા દરેક ઉંમરની વ્યક્તિ કરાવી શકે છે. આ કેમ્પને સફળ બનાવવા ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના એજાઝભાઈ લોધીયા, યાસીનભાઈ ઐબાણી, હાજી અમીનભાઈ ગીરાચ, આરીફ રાઠોડ, યુનુસ મીર, સુહેલ મીર, અસ્ફાક લોધીયા, ઈકબાલ બુખારી, સીરાજ બ્લોચ, યુનુસભાઈ પટેલ સહિત તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.