હૈદરાબાદ ગેંગરેપ-મર્ડરના આરોપીઓને પણ જાહેરમાં જ જીવતા સળગાવો

  • હૈદરાબાદ ગેંગરેપ-મર્ડરના આરોપીઓને પણ જાહેરમાં જ જીવતા સળગાવો
    હૈદરાબાદ ગેંગરેપ-મર્ડરના આરોપીઓને પણ જાહેરમાં જ જીવતા સળગાવો

પોરબંદર તા.3
હૈદરાબાદમાં વેટરનરી મહીલા તબીબ ઉપર બળાત્કાર બાદ તેને જીવતી સળગાવી નાખવાની જધન્ય ઘટના બાદ દેશભરમાં આક્રોશ અને વિરોધનો વંટોળ ફાટી નિકળ્યો છે ત્યારે પોરબંદરમાં પણ વિદ્યાર્થીનીઓએ ખુબ જ રોષ સાથેએવું જણાવ્યું હતું કે, હૈદરાબાદ ગેંગરેપ-મર્ડરના આરોપીઓને પણ જાહેરમાં જ જીવતા સળગાવવામાં આવે તો જ આ પ્રકારની હીન હરકત કરતા પહેલા લોકો 100 વખત વિચારશે.
તેલંગણાના પાટનગર હૈદરાબાદમાં મહીલા વેટરનરી તબીબ ડો. પ્રિયંકા રેડી ઉપર ચાર નરાધમોએ ક્રુરતાપૂર્વક ગેંગરેપ કરવાની સાથોસાથ તેને જીવતી સળગાવીને ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી છે અને આ હેવાનીયત બાદ દેશભરમાં ભીષણ રોષ ભભુકી ઉઠયો છે તથા લોકો રસ્તાઓ ઉપર ઉતરીને મહીલાઓની સુરક્ષાના સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર. ગોઢાણીયા મહીલા કોલેજની પત્રકારત્વના ત્રિમાસિક સર્ટીફીકેટ કોર્ષનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ પણ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, પક્ષાપક્ષીને બાજુએ રાખીને તમામ પક્ષોએ આ મુદ્દે એક થઇને સંસદમાં બળાત્કાર વિરૂધ્ધના કાયદાને વધુ કડક બનાવવો જરૂરી બની ગયો છે. બળાત્કાર કરનારા શખ્સોને જાહેરમાં જ જીવતા સળગાવવામાં આવે તો જ લોકો આ પ્રકારની નીચતાપૂર્વકની હરકત કરતા પહેલા 100 વખત વિચાર કરશે તેમ જણાવીને ભારે રોષ ઠાલવવામાં આવ્યો હતો.
પોરબંદરની ગોઢાણીયા મહીલા કોલેજમાં પત્રકારત્વના સર્ટીફીકેટ કોર્ષના નવા સત્રનો આરંભ થયો ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જાણીતા કેળવણીકાર અને સંસ્થાના એજયુકેશન ડાયરેકટર ડો.એ.આર.ભરડા, કોલેજના કો.ઓર્ડીનેટર કેતનભાઇ શાહ, સમગ્ર કોર્ષની જવાબદારી જેના ખભે મુકવામાં આવી છે તે શહેરના યુવા પત્રકાર જીજ્ઞેશ પોપટ, કોર્ષના સહસંયોજક અને હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.એમ.એન. વાઘેલા, ડો. સંગીતાબેન પારેખ સહિત વકતાઓએ પણ તેમના ઉદબોધનોમાં હૈદરાબાદના આ ચકચારી બનાવને વખોડી કાઢીને બળાત્કારના દોષીતોને વહેલીતકે ફાંસીના માચડે લટકાવી દેવામાં આવે તેવી અપેક્ષા રાખી હતી. આ કાર્યક્રમની સાથોસાથ મૃતક મહીલા તબીબને શબ્દાંજલી અને શ્રધ્ધાંજલી સહિત મૌન દ્વારા તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.