પોરબંદરમાં ગરીબો માટે બનેલા ર448 મકાનોનું ફરી સમારકામ શરૂ

  • પોરબંદરમાં ગરીબો માટે બનેલા ર448 મકાનોનું ફરી સમારકામ શરૂ
    પોરબંદરમાં ગરીબો માટે બનેલા ર448 મકાનોનું ફરી સમારકામ શરૂ

પોરબંદર તા.3
પોરબંદરના બોખીરા થી કુછડી તરફ જતાં રસ્તે ગરીબો માટે બનેલા ર448 મકાનો જર્જરીત થઇ ગયા હતા તેથી તેમાં થોડુઘણુ સમારકામ અને બીજો હાથ મારવાની કામગીરી ચાલુ થઇ છે અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયા પૂર્ણ થાય પછી ગરીબોને મકાન મળશે.
પોરબંદરમાં મીશન સીટી યોજના હેઠળ 872 કરોડ જેવી માતબર રકમ કેટલાક વર્ષો પહેલા મંજુર થઈ હતી અને તેમાંથી પોરબંદરની તમામ ઝુંપડપટ્ટીઓ અને સ્લમ વિસ્તારના રહેવાસીઓને સારૂં આવાસ મળે તે માટે કરોડોના ખર્ચે બોખીરા-કુછડી રોડ ઉપર 2448 મકાનો બનાવવામાં આવ્યા છે અને ત્યાં માત્ર 5000 રૂપીયા જેવી નજીવી રકમમાં જ મકાન આપવામાં આવનાર હતા. બાકીની કિંમત કેન્દ્ર અને રાજ્ય સરકાર ચૂકવશે તેથી આ મકાનો તૈયાર થયા છે તેમાં કર્લી પુલથી જુબેલી પુલ અને કુંભારવાડા સહિત ખાડીકાંઠાના લોકોને સ્થળાંતરીત કરવા માટે રાજ્યસરકારે આપેલી સુચના મુજબ નગરપાલિકાનું તંત્ર કાર્યવાહી કરી રહ્યું હતું.
કામ નબળી ગુણવત્તાવાળું હોવાનો થયો હતો આક્ષેપ
જ્યાં 2448 મકાન બન્યા છે તે વસાહતમાં ‘દંગડી’ ના પથ્થરની જગ્યાએ ખારા પાણી દ્વારા બનાવવામાં આવેલ સિમેન્ટ બ્લોકથી ચણતર કરવામાં આવ્યું છે, લોખંડના સળીયાઓ ઓછી સાઈઝના અને ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરેલ છે અને કામ ખૂબ જ નબળી કક્ષાનું છે, ગમે ત્યારે આ આખા બિલ્ડીંગો પડી જાય એમ છે તેવી રજુઆતો પણ થઇ હતી.
7ર0 જરૂરીયાતમંદોએ ભર્યા હતા ફોર્મ
3 વર્ષથી તૈયાર થઇ ગયેલા મકાન ખંડેોરબંદરમાં બોખીરા અને કુછડી વચ્ચેના રોડ ઉપર શહેરી અને ગરીબો માટે ર448 જેટલા મકાનો ત્રણ વર્ષ પહેલા તૈયાર કરી દેવાયા છે અને તેમાં 7ર0 જરૂરીયાતમંદોએ આવાસ માટે જરૂરી પ હજાર રૂપિયા ભર્યે બે વરસ વીતી ગયા છતાં તેમને હજુ સુધી મકાનની ફાળવણી થઇ નથી.
સમાજ કલ્યાણ વિભાગ સમારકામ પછી જ ગ્રાન્ટ આપશે
બીજી તરફ સમાજકલ્યાણ વિભાગે મકાનના સમારકામ પછી જ ગ્રાન્ટ મંજુર થશે તેવું પાલિકાના સત્તાવાળાઓને જણાવી દેતા હવે આ મકાનનું સમારકામ શરૂ થયું છે. પોરબંદરમાં જમીન-મકાનના ભાવ ખુબ જ ઉંચા છે તેથી ગરીબો તો ઠીક મધ્યમવર્ગના લોકો પણ પોતાના ઘરનું ઘર લઇશકે તેવી શકયતાઓ બહુ ઓછી હોય છે પરંતુ પોરબંદરમાં ગાંધીજી જનમ્યા હોવાના કારણે કેન્દ્ર સરકારે ખાસ કિસ્સામાં મંજુરી આપતા પોરબંદર નરગપાલિકાની હદમાં નગર સેવા સદનના ઉપક્રમે જે.એન.એન.યુ.આર.એમ. અંતર્ગત શહેરી ગરીબો માટે બી.એસ.યુ.પી. તળે 2448 મકાનોનું રૂા. 81.રપ કરોડના ખર્ચે ભુમિતપૂજન છ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. જે ર016ના ઓગષ્ટ માસમાં તૈયાર થઇ જતાં તેને ફાળવવા માટેની કાર્યવાહી નરગપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 3865 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં થી 1891 ગરીબોએ ફોર્મ ભરી અને જમા કરાવ્યા હતા તેમાંથી 1087 લોકો તમામ જરૂરી પાત્રતા ધરાવતા હોવાથી તેમના ફોર્મ મંજુર થયા હતા, મંજુર થયેલ ફોર્મમાંથી 7ર0 જેટલા ગરીબ પરિવારો તેમને ભરવાના થતા પાંચ હજાર રૂપિયા ભરી ગયા હતા જેને બે વરસ જેટલો સમય વિતી ગયો છે. મકાન દીઠ 4પ-45 હજારની ગ્રાન્ટ સરકારે ફાળવવાની હોય છે. પ000 રૂપિયા રહેવા જનારે ભરવાના હોય છે અને 45000 રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે ત્યારબાદ મકાનની ફાળવણી થતી હોય છે પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી ન થતાં હાલમાં આ તમામ મકાનોનું સમારકામ ચાલુ છે. અહીં ઠેર-ઠેર દીવાલમાં પોપડા ઉખડી ગયા છે. વાયરીંગ તથા પ્લમ્બિંગ કામ પણ તુટી ફુટી ગયું છે. એકપણ મકાનમાં કાચની બબારીઓ સલામત રહી નથી. દરવાજા પણ જર્જરીત હાલતમાં જોવા મળે છે તો અહીં બનાવવામાં આવેલ માર્કેટમાં પણ ઠેર-ઠેર તિરાડો પડી ગઇ છે. ટોઇલેટ-બાથરૂમનું તમામ ફીટીંગ પણ તુટી ફુટી ગયેલ અવસ્થામાં જોવા મળે છે. ત્રણ-ત્રણ વરસથી નિર્માણ થયેલ આવાસનું લોકાર્પણ ન થતાં સમગ્ર બિલ્ડીંગો હાલ બિસ્માર હાલતમાં હોવાથી તેનું સમારકામ ચાલુ છે.
સમાજ કલ્યાણ વિભાગે 45000ની ગ્રાન્ટ ફાળવવાનો કર્યો ઇન્કાર
તાજેતરમાં સમાજ કલ્યાણ વિભાગે જે લોકો એ ફોર્મ ભર્યા હતા તેની 45 હજારની ગ્રાન્ટ ફાળવવા ઇન્કાર કર્યો હતો અને પાલિકાને પત્ર લખીને જણાવ્યું હતું કે, તમામ ઇમારતોનું જરૂરી સમારકામ કરાવવામાં આવે ત્યારબાદ જ તે અંગેની ગ્રાન્ટ મંજુર થશે અને ત્યારબાદ જ તેની ફાળવણી શકય બનશે. હાલ તો તંત્ર દ્વારા નવા મકાનોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે 81 કરોડ જેવી માતબર રકમ ધૂળધાણી થઇ ગઇ છે અને જે ગરીબોને આવાસ માટેનો હેતુ છે તે પણ હજુ સુધી સર્યો નથી અને ગરીબો પણ બબ્બે વરસથી પોતાના ઘરના ઘરનો ઇન્તેજાર કરી રહ્યા છે ત્યારે તેમને મકાન કયારે મળશે તે તો આવનારો સમય જ કહેશે.
ર013માં થયું હતું ખાતમુર્હુત
પોરબંદરના બોખીરામાં ગરીબોને આપવાના આવાસ યોજનાનું કામનું ખાતમુર્હુત એપ્રિલ-ર013માં કરવામાં આવ્યું હતું. અને એપ્રિલ-ર014માં એ કામ પૂર્ણ થઇ જવાનું હતું પરંતુ તેના બે વર્ષ પછી કામ થયું હતું અને મકાન બની ગયાના 3 વર્ષ પછી પણ તેનું લોકાર્પણ થઇ શકયું નથી.
81 કરોડથી વધુના ખર્ચે થયું હતું બાંધકામ
પોરબંદરમાં બી.એસ.યુ.પી. તળે હાઉસીંગ પ્રોજેકટમાં ર448 મકાનો બનાવાયા છે જેમાં કુલ 81.25 કરોડનો ખર્ચ થયો છે. બે રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ વગેરેનો એક ફલેટ બન્યો છે જેમાં કાર્પેટ અરેયા 27.52 ચો.મી. અને બિલ્ટઅપ એરીયા 33.47 ચો.મી. છે. એક ફલેટના બાંધકામનો ખર્ચ 2,80,200 થયો છે અને તે પૈકી 80 ટકા રકમ કેન્દ્ર સરકાર, 10 ટકા રાજય સરકાર અને 10 ટકા લાભાર્થીએ ચુકવવાની રહેશે તેવું જાહેર થયું હતું. પોરબંદરમાં 11 સ્લમ એરીયામાં 11,045 પરિવારો વસે છે તેમાંથી ર448 જેટલા પરિવારોને આ મકાન અપાશે તેવું જાહેર થું હતું પરંતુ મકાન તૈયાર થઇ ગયાના ત્રણ વર્ષ પછી પણ ફાળવાયા નથી તેથી વહેલીતકે હવે મકાન ફાળવાઇ જાય તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. ચીફ ઓફીસર રૂદ્રેશભાઇ હુદડે જણાવ્યું હતું કે, થોડોઘણો કલર ઉડી ગયો હોવાથી અને થોડુઘણુ સમારકામ કરવાનો હોવાથી તેની કામગીરી ચાલુ છે. સમાજ કલ્યાણ ખાતાની વહીવટી પ્રક્રિયા પુરી થશે પછી મકાન આપવાની કામગીરી હાથ ધરાશે.