શિવસેનાની માગણીઓ ભાજપ સ્વીકારી શકે એમ નથી- અમિત શાહ

  • શિવસેનાની માગણીઓ ભાજપ સ્વીકારી શકે એમ નથી- અમિત શાહ
    શિવસેનાની માગણીઓ ભાજપ સ્વીકારી શકે એમ નથી- અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ANI સાથેની વાતચીતમાં ભાજપ અને શિવસેના વચ્ચે તુટી ગયેલા ગઠબંધન અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી શિવસેનાની માગણીઓ સ્વીકારી શકે એમ નથી. 

અમિત શાહે જણાવ્યું કે, "ચૂંટણી પહેલા વડાપ્રધાન અને મેં અનેક વખત જાહેરમાં નિવેદન આપ્યા હતા કે જો અમારું ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. એ સમયે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો. હવે તેઓ નવી માગણી સાથે અમારી સામે આવ્યા છે, જેનો સ્વીકાર કરી શકાય એમ નથી." મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અંગે અમિત શાહે કહ્યું કે, "રાજ્યમાં સરકારની રચના માટે 18 દિવસનો સમય ઓછો નથી હોતો. રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવાનો નિર્ણય એકદમ યોગ્ય નિર્ણય હતો. જો તેઓ મોડું કરતા તો તેમના પર આરોપ લાગતા કે તેઓ ભાજપની સરકાર ચલાવી રહ્યા છે." શાહે કહ્યું કે, "અગાઉ એક પણ રાજ્યને આટલો સમય અપાયો નથી. રાજ્યપાલે વિધાનસભાનો કાર્યકાળ પુરો થઈ ગયા પછી વિવિધ પક્ષોને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. શિવસેના કે કોંગ્રેસ એનસીપી કે પછી ભાજપ, એક પણ પક્ષે સરકાર રચવાનો દાવો કર્યો નથી."