મહારાષ્ટ્રઃ શિવસેનાને ટેકો આપવા અંગે કોંગ્રેસ હજુ અસમંજસમાં, NCP સાથે કરશે ચર્ચા

  • મહારાષ્ટ્રઃ શિવસેનાને ટેકો આપવા અંગે કોંગ્રેસ હજુ અસમંજસમાં, NCP સાથે કરશે ચર્ચા
    મહારાષ્ટ્રઃ શિવસેનાને ટેકો આપવા અંગે કોંગ્રેસ હજુ અસમંજસમાં, NCP સાથે કરશે ચર્ચા

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવા બાબતે કોંગ્રેસ હજુ પણ અસમંજસમાં છે. નવી દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીના ઘરે મળેલી બેઠકમાં કોંગ્રેસ અનિર્ણિત રહી હતી. આ બેઠક પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, આ બાબતે પાર્ટીએ હજુ કોઈ નિર્ણય લીધો નથી. 

બેઠક પછી મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવામાં હજુ સમય લાગશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુંબઈ જઈને એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે, ત્યાર પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે."

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના ઘરે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી સરકારને ટેકો આપવો કે નહીં તેના અંગેનો નિર્ણય લેવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની 3 કલાક સુધી બેઠક ચાલી હતી, પરંતુ આ બેઠક અનિર્ણિત રહી હતી. આ બાજુ એનસીપી પણ કોંગ્રેસના ટેકા વગર શિવસેનાને ટેકો આપશે નહીં. કેમ કે, રાજ્યમાં સરકારની રચના માટે શિવસેનાને એસીપી અને કોંગ્રેસ બંને પક્ષના ટેકાની જરૂર છે.