અયોધ્યા મુદ્દે સૌથી મોટો ચુકાદો.. વિવાદિત જમીન પર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર બનાવાશે, મુસ્લિમોને મસ્જિદ માટે 5 એકર અન્ય જગ્યાએ વૈકલ્પિક જમીન અપાશે

 • અયોધ્યા મુદ્દે સૌથી મોટો ચુકાદો.. વિવાદિત જમીન પર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર બનાવાશે, મુસ્લિમોને મસ્જિદ માટે 5 એકર અન્ય જગ્યાએ વૈકલ્પિક જમીન અપાશે
  અયોધ્યા મુદ્દે સૌથી મોટો ચુકાદો.. વિવાદિત જમીન પર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર બનાવાશે, મુસ્લિમોને મસ્જિદ માટે 5 એકર અન્ય જગ્યાએ વૈકલ્પિક જમીન અપાશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યા મામલે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. બેન્ચના અધ્યક્ષ CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે. સીજેઆઈ ગોગોઈએ કહ્યું, હિન્દુ-મુસ્લિમ વિવાદિત સ્થાનને જન્મભૂમિ માને છે પરંતુ આસ્થાથી માલિકી હક નક્કી ન કરી શકાય. પીઠે કહ્યું, તોડી પાડવામાં આવેલું માળખું જ રામનું જન્મસ્થાન છે, હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. ચીફ જસ્ટિસે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયના મુખ્ય અંશો

 • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- મીર બકીએ બાબરી મસ્જિદ બનાવી. ધર્મશાસ્ત્રમાં પ્રવેશ કરવો કોર્ટ માટે યોગ્ય નથી
 • ચીફ જસ્ટિસે કહ્યું- અમે સર્વસમ્મતિથી નિર્ણય સંભળાવી રહ્યા છીએ. આ કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર પણ કરવો જોઈએ. કોર્ટે સંતુલન જાળવવું જોઈએ.
 • સુપ્રીમ કોર્ટે કહ્યું- વિવાદિત જમીન રેવન્યૂ રેકોર્ડમાં સરકારી જમીન તરીકે ચિન્હિત છે.
 • શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત માળખા પર હતો. તે અરજી ફગાવી દેવામાં આવી છે.
 • તોડીપાડવામાં આવેલું માળખુ ભગવાન રામનું જન્મસ્થાન છે. હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. જોકે માલિકી હકને ધર્મ, આસ્થાના આધાર પર સ્થાપિત ન કરી શકાય. આ કોઈ વિવાદ પર નિર્ણય થવાના સંકેત હોઈ શકે છે.
 • સુપ્રીમ કોર્ટે કહ્યું- રામ જન્મભૂમિ સ્થાન ન્યાયિક વ્યક્તિ નથી. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો નકાર્યો છે. નિર્મોહી અખાડાએ જન્મભૂમિના મેનેજમેન્ટનો અધિકાર માંગ્યો હતો.
 • ચીફ જસ્ટિસે કહ્યું- વિવાદિત માળખુ ઈસ્લામિક મૂળનું માળખુ નથી, પરંતુ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ તેમના રિપોર્ટમાં એવું નથી કહ્યું કે, મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું છે.
 • એવા પુરાવા મળ્યા છે કે, રામ ચબૂતરો અને સીતા રસોઈ પર હિન્દુઓ અંગ્રેજોના સમયથી પૂજા કરી રહ્યા છે. રેકોર્ડમાં નોંધાયેલા સાક્ષી જણાવે છે કે, વિવાદિત જમીનની બહારનો હિસ્સો હિન્દુઓનો જ છે.
 • 1946ના ફૈઝાબાદ કોર્ટના આદેશને પડકાર આપતી શિયા વક્ફ બોર્ડની વિશેષ અનુમતિ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત જમીન પર હતો. તેને ફગાવી દેવામાં આવ્યો છે.

હિન્દુઓએ તેમનો દાવો સ્થાપિત કર્યો
ચુકાદા દરમિયાન બેન્ચે કહ્યું, હિન્દુઓએ તેમનો દાવો સ્થાપિત કર્યો છે કે તેમનો બહારના વિભાગમાં અધિકાર હતો અને ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડ અયોધ્યા વિવાદમાં પોતાનો દાવો સફળ કરવામાં નિષ્ફળ રહ્યા છે. બહારના વિસ્તારમાં હિન્દુ શ્રદ્ધાળુઓ વર્ષોથી પૂજા કરી રહ્યા છે અને મુસ્લિમો દ્વારા મસ્જિદમાં શુક્રવારની નમાઝના સાક્ષી એ જણાવે છે કે તેમણે ત્યાનું સ્વામિત્વ ગુમાવ્યું નથી. સાક્ષીઓ જણાવે છે કે, મસ્જિદમાં નમાઝ વખતે તકલીફ પડવા છતા તે સંપૂર્ણ રીતે બંધ નહતી થઈ. સીતા રસોઈ, રામ ચબૂતરાની હાજરી અહીંની ધાર્મિક વાસ્તવિકતાનો પૂરાવો
સુપ્રીમ કોર્ટે કહ્યું- વિવાદિત જમીનની નીચે જે માળખુ છે તે ઈસ્લામિક માળખુ નથી. પરંતુ ઓર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)નો રિપોર્ટ એ સાબીત નથી કરી શક્યા કે મસ્જિદ બનાવવા માટે મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. હિન્દુ વિવાદિત જમીનને ભગવાન રામનું જન્મ સ્થળ કહે છે અને મુસ્લિમ પણ આ સ્થાનને આવું જ કહે છે. તોડી પાડવામાં આવેલા માળખા પર ભગવાન રામની જન્મભૂમિ હોવાનો હિન્દુઓનો વિશ્વાસ નિર્વિવાદ છે. અહીં સીતા રસોઈ, રામ ચબૂતરો અને ભંડાર ગૃહની હાજરી સ્થાન ધાર્મિક હોવાનો પુરાવો છે. જોકે આસ્થા અને વિશ્વાસના આધાર પર માલિકી હક નક્કી ન કરી શકાય. આ માત્ર વિવાદનો ઉકેલ લાવવાનો પુરાવો છે. નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો થે. જોકે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પર કોઈ પ્રતિબંધ લગાવાવમાં આવ્યો નથી. મધ્ય પ્રદેશમાં પણ નિર્ણયને ધ્યાનમાં રાખીને શનિવારે સ્કૂલ-કોલેજોમાં રજા રાખવામાં આવી છે.
 • કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને દિલ્હીમાં શનિવારે સ્કૂલો બંધ રહેશે
 • ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુઝફ્ફરનગર, રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે.
જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે. અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચવાનો ચુકાદો આપ્યો હતો
2010માં અલાહાબાદ હાઈકોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, અયોધ્યાની 2.77 એકરના વિસ્તારને 3 સમાન હિસ્સામાં વહેંચી દો. એક હિસ્સો સુન્ની વક્ફ, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો રામલલ્લા વિરાજમાનને મળે. હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ કરવામાં આવી હતી. બંધારણીય પીઠના જસ્ટિસ
અયોધ્યા મામલે સુનાવણી કરી રહેલી બેન્ચની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કરી રહ્યા છે. તેમના સિવાય આ બેન્ચમાં જસ્ટિસ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.