પોરબંદરના સેવાસેતુ કાર્યક્રમમાં આવનાર તમામનું ડાયાબીટીસ-બી.પી. ચેકઅપ થશે

  • પોરબંદરના સેવાસેતુ કાર્યક્રમમાં આવનાર તમામનું ડાયાબીટીસ-બી.પી. ચેકઅપ થશે
    પોરબંદરના સેવાસેતુ કાર્યક્રમમાં આવનાર તમામનું ડાયાબીટીસ-બી.પી. ચેકઅપ થશે

પોરબંદર તા 10
પોરબંદરના સેવાસેતુ કાર્યક્રમમાં આવનાર તમામનું ડાયાબીટીસ-બી.પી. ચેકઅપ કરવામાં આવશે તે સબંધે અધિકારીઓને માર્ગદર્શન આપવા બેઠક યોજાઈ હતી.
ગુજરાત સરકારનો પ્રજાલક્ષી મહત્વનો કાર્યક્રમ સેવાસેતુ પોરબંદર જીલ્લામાં શરૂ થયો છે તે સંદર્ભે પોરબંદર જીલ્લાનાં ઈન્ચાર્જ કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. પોરબંદર જીલ્લાના શહેરી અને ગ્રામ્યકક્ષાએ યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું કે સેવાસેતુ કાર્યક્રમમાં ઉત્સાહથી કામગીરી કરવાની છે. સ્થાનિક લોકોને જરૂરી પ્રમાણપત્રો, જનહિતકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ સરળતાથી મળી રહે તે માટે સબંધીત તમામ કચેરીઓએ આપસમાં સહયોગ કેળવી કાર્યક્રમને સફળ બનાવવાનો છે.
આ પ્રસંગે અધિક કલેક્ટર રાજેશ તન્નાએ પ્રાંત અધિકારીઓ પાસેથી કાર્યક્રમની વિગતો, વિવિધ યોજનાઓ કઈ રીતે લોકો સુધી પહોંચે તે બાબતે અભિપ્રાય મેળવ્યો હતો. તથા કાર્યક્રમમાં આવનાર તમામ લાભાર્થીઓનાં બ્લડપ્રેશર તથા ડાયાબીટીસનું ચેકઅપ કરવા ઈન્ચાર્જ જીલ્લા આરોગ્ય અધિકારીને જણાવ્યું હતું.
બેઠકમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ.ડી. ધાનાણી, પોરબંદર પ્રાંત અધિકારી કે.વી. બાટી, કુતિયાણા પ્રાંત અધિકારી એ.જે. અંસારી સહિતના જીલ્લા તથા તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.