પોરબંદર જીલ્લાની 10 શાળાઓની કૃતિ રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળામાં ભાગ લેશે

  • પોરબંદર જીલ્લાની 10 શાળાઓની કૃતિ રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળામાં ભાગ લેશે
    પોરબંદર જીલ્લાની 10 શાળાઓની કૃતિ રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળામાં ભાગ લેશે

પોરબંદર તા 10
પોરબંદર જીલ્લાની 10 શાળાઓની કૃતિ રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળામાં ભાગ લેવાની હોવાથી રાજ્યભરમાં ગાંધીભૂમિનું નામ રોશન થાય તેવી શુભેચ્છાઓ અપાઈ છે.
રત્નાકર પ્રાથમિક શાળાની કૃતિ
વિજ્ઞાન માનવતા માટે એક સુંદર ઉપહાર છે, વિજ્ઞાનના ચમત્કારોએ આપણા જીવનને સહજ બનાવી દીધું છે. હાલ જિલ્લા શિક્ષણ અને તાલીમભવન પોરબંદર દ્વારા જિલ્લાકક્ષાનો વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવેલું. હાલના સમયમાં ભારત જેવા દેશમાં વસ્તી વધારો થઇ રહ્યો છે. તેના લીધે લોકોની જરૂરીયાતો પણ વધતી જાય છે. હાલના સમયમાં પ્લાસ્ટીકથી બનતી વસ્તુઓ ફૂડ પેકેજિંગ કે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય તેવી વસ્તુઓનો બોહરો ઉપયોગ થાય છે. પરંતુ લોકો આ વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી પ્લાસ્ટીકનો નિકાલ કરતા નથી તથા જયાં ત્યાં ફેંકી દે છે. જેના લીધે આ પ્લાસ્ટીક નદી, તળાવ, ડેમ તથા સમુદ્રમાં ભારે પવન અને વરસાદોનું લીધે જાય છે. જેથી જળપ્રદુષણ જોવા મળે છે તો આ સમસ્યાનું સમાધાન બનાવતી કૃતિ રત્નાકર માધ્યમિક શાળાની વિદ્યાર્થીઓ કોટિયા પાયલ, લોઢારી પ્રગતિ શાળાના શિક્ષક ચામડીયા અભયભાઇના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી વોટર કિલનીંગ બોટ પ્રદર્શિત કરી હતી જેમાં વિભાગ-1માં જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જે બદલ શાળાના ટ્રસ્ટી રણછોડભાઇ શિયાળ શાળાના પ્રમુખ કાનજીભાઇ મુકાદમ, શાળાના આચાર્ય હિનાબેન મેઘનાથી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.
ડિવાઈન માધ્યમિક સ્કૂલની કૃતિ
પોરબંદર જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજીત વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-2019 નું આયોજન જી.સી.ઈ.આર.ટી. તથા જી.એમ.સી. સ્કૂલને સંલગ્ન કરવામાં આવ્યું હતું. પોરબંદર જીલ્લાની તમામ પસંદગી પામેલી કૃતિઓનું બહુ જ સુંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું ત્યારે ડિવાઈન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને વિભાગ-1 માં ટકાઉ કૃષિ પદ્ધતિમાં આ શાળાની "બીજામૃત નામની કૃતિ રજુ કરવામાં આવી હતી. જે કૃતિ વિભાગ-1 માં પ્રથમ નંબરે પસંદગી પામેલ છે જેથી હવે પછીના સમયમાં આ કૃતિ રાજ્યકક્ષાએ રજુ થશે. માર્ગદર્શન મોઢવાડીયા પ્રતાપ વી. ના માર્ગદર્શન નીચે બાળ વૈજ્ઞાનિકો મોઢવાડીયા શાંતિ એ. તથા થાનકી દીયા સી. એ આ કૃતિ તૈયાર કરી હતી. આ તકે ડિવાઈન પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલ દર્શિત જે. ગોસ્વામીએ અભિનંદન પાઠવ્યા હતા તથા ડિવાઈન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીઓ સવદાસભાઈ ઓડેદરા, પ્રતાપજીભાઈ ઓડેદરા, દિપેનભાઈ ઓડેદરા, મયુરજી ઓડેદરા, વનરાજ ઓડેદરા તથા તમામ ટ્રસ્ટમંડળ તરફથી અભિનંદન તથા આનંદની લાગણી પ્રગટ કરવામાં આવી હતી તથા હજુ પણ વધુ પ્રગતિશીલ બની આ છાત્રો પોતાનું તથા પોતાના વાલીઓનું, સ્કૂલનું તેમજ ગાંધીભૂમિનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રાણાકંડોરણા પ્રાથમિક શાળાની કૃતિ
રાણાકંડોરણાની પ્રાથમિક ક્ધયાશાળાની વિદ્યાર્થીનીઓ જલ્પા લાખાણા અને નેન્સી સુરેલાએ માર્ગદર્શન શિક્ષક ભાવેશભાઈ જમરીયાના નેતૃત્વમાં બહુહેતુક કૃતિ સાધન તૈયાર કર્યું હતું. જી.સી.ઈ.આર.ટી. ના નિયામક ટી.એસ. જોષીએ પણ આ કૃતિને નિહાળીને બિરદાવી હતી. આ કૃષિસાધન એ પ્રકારનું તૈયાર થયું હતું કે એક જ સાધનથી ખેતીને લગતા ઘણા બધા કામો સરળતાથી થઈ શકે છે. ગ્રામ્યપંથકની સરકારી શાળાની છાત્રાઓએ તૈયાર કરેલ આ કૃતિને પણ રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં જવા માટે પસંદગી મળતા ખુશીની લાગણી જોવા મળી હતી.
અન્ય માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની કૃતિ
કુતિયાણાના કોટડા ગામની સરકારી માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ આરતી ઓડેદરા અને ભાવના મોઢાએ ‘સ્કાય ફાર્મિંગ વીથ સી વોટર’ ની કૃતિ માર્ગદર્શક શિક્ષિકા પૂજાબેન રાજાના માર્ગદર્શન નીચે તૈયાર કરી હતી. તો પોરબંદરની જી.એમ. ચૌહાણ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ કુલદિપ ઓડેદરા અને યશવી ભરાણીયાએ માર્ગદર્શક શિક્ષક કિશનભાઈ બદિયાણીના માર્ગદર્શન નીચે વોટર ટ્રીટમેન્ટ એર ટ્રીટ પ્લાન્ટ તૈયાર કર્યો હતો. રાણાવાવની આઈડીયલ એકેડમીના જય ઓડેદરા અને જય વારાએ પ્રોજેક્શન માઈક્રોસ્ક્રોપ માર્ગદર્શક શિક્ષક કે.જે. ગોઢાણીયાના માર્ગદર્શન નીચે તૈયાર કર્યો હતો. આ તમામ કૃતિઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે.
અન્ય પ્રાથમિક શાળાઓની કૃતિ
મહોબતપરા પ્રાથમિક શાળાની ખ્યાતિ વારગીયા અને સેજલ પરમારે માર્ગદર્શક શિક્ષક રમેશભાઈ પરમારના માર્ગદર્શન નીચે ખાદ્યપદાર્થોમાં ભેળસેળની કૃતિ તૈયાર કરી હતી. મોકર પ્રાથમિક શાળાના પાર્થ જમરીયા અને દિવ્યા ટુકડીયાએ ભાવિશાબેન લાખાણાના માર્ગદર્શન નીચે ઈકો ફ્રેન્ડલી હાઉસ ની કૃતિ તૈયાર કરી હતી. પોરબંદરની નાનજી કાલિદાસ પ્રાથમિક શાળાની નિકીતાબાનુ કાતિયાર અને આયશાબાનુ જુલાયાએ શિક્ષીકા મધુબેન નિમ્બાર્ક ના માર્ગદર્શન નીચે પ્લાસ્ટીક બોટલ કટર મશીન તૈયાર કર્યું હતું. આ કૃતિઓ પણ રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે.
આમ, પોરબંદર જીલ્લાની જુદી-જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાની કૃતિઓ વિજ્ઞાનમેળામાં રાજ્યકક્ષાએ ભાગ લેવા જવાની હોવાથી તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.