પોરબંદરની ચોપાટીથી સ્મશાન તરફ જતાં રસ્તે સમારકામને બદલે તંત્રએ પથ્થરની ઢગલીઓ ચણી

પોરબંદર તા 10
પોરબંદરમાં 13 કરોડના ખર્ચે પ્રવાસન વિભાગે ચોપાટીનું નવીનીકરણ કરી સ્મશાન સુધી લંબાવી છે પરંતુ વાયુ વાવાઝોડાના સમયે દરિયાના મોજા નવા બનેલા રોડ નીચેનો કાટમાળ તાણી ગયા હોવાથી આ રોડ ગમે ત્યારે ધરાશાયી થઇ જાય તેવી દહેશત જણાઇ રહી હોવા છતાં તેની નીચે પુરતો માલ ભરીને સમારકામ કરવાને બદલે પથ્થરની ઢગલીઓ ચણીને સંતોષ માની લીધો છે તેથી જોખમ યથાવત છે.
પોરબંદરની રમણીય ચોપાટીને સુંદર અને સ્વચ્છ ઓપ આપવા માટે રૂપિયા 13 કરોડના ખર્ચે કનકાઇ મંદિર પાસેથી બે કી.મી. સુધી મુખ્ય ચોપાટી અને હિન્દુ સ્મશાનભુમિ સુધી સિમેન્ટનો નવો રોડ બનાવવામાં આવ્યો છે અને દરરોજ હજારો પ્રવાસીઓ અહીંયા ફરવા આવે છે. વાયુ વાવાઝોડાની અસર હતી ત્યારે દરિયાના તોફાની મોજા આ રોડ સુધી પહોંચી ગયા હતા. નવા બનાવાયેલા રોડમાં નીચેના ભાગે સમુદ્રના પાણી ઘુસી ગયા હોવાથી નીચેના ભાગે વ્યવસ્થિત લેવલીંગ થયું નહીં હોવાને કારણે અંદરનો કાટમાળ દરિયામાં તણાઇ ગયો હતો. પોરબંદરના આગેવાન મઢવીભાઇએ આ અંગે તંત્રનું ધ્યાન દોરી જણાવ્યું છે કે, ચોપાટીથી સ્મશાન જતાં આ રસ્તાની નીચેનો મલબો દરિયામાં તણાઇ ગયો છે તેથી અંદરના ભાગે ઉંડા ગાબડા પડી ગયા છે માટે અહીંથી ભારે વાહન પસાર થશે તો આ રોડ ગમે ત્યારે ધરાશાયી થઇ જશે અને ચોપાટીથી સ્મશાન તરફનો રસ્તો જ બંધ થઇ જશે. તેથી તંત્ર પણ તાત્કાલીક કાર્યવાહી કરે તે જરૂરી છે તેવી રજુઆત થઇ હતી એટલું નહીં પરંતુ પોરબંદરના મઢવીભાઇએ તંત્રનું ધ્યાન દોરતા એમ પણ જણાવ્યું છે કે, સમુદ્રના તોફાની મોજા હિન્દુ સ્મશાનભુમિની દીવાલ સુધી તોફાન સમયે પહોંચી જાય છે આથી ચોપાટીના નવા બનાવાયેલા રોડ ને પણ નુકશાન કરી શકે છે. તેથી જીમ થી સ્મશાન ભુમિ સુધી ના રોડના સમુદ્ર કીનારે ટેટ્રાપોલ મુકવા જોઇએ જેથી દરિયાના તોફાની મોજાથી આ રોડનું રક્ષણ કરી શકાય તેવી પણ રજુઆત તેમના દ્વારા કરવામાં આવી હતી.
પરંતુ તંત્રએ બેદરકારી દાખવીને રોડની નીચે કાટમાળ ભરીને સમારકામ કરવાને બદલે માત્ર પથ્થરની ઢગલીઓ ખડકી દઇને નજીવું સમારકામ કર્યુ છે તેથી રોડ ઉપરનું જોખમ યથાવત છે અને ગમે ત્યારે તે પડી જાય તેવી દહેશત સ્પષ્ટપણે જણાઇ રહી છે આમ છતાં બેદરકાર તંત્ર જાગ્યું નથી તે પણ હકીકત છે.