સુરેન્દ્રનગરની મહિલાને કોંગો ફિવર, અમદાવાદની SVP હોસ્પિટલમાં મોત, તંત્ર દોડતું થયું

  • સુરેન્દ્રનગરની મહિલાને કોંગો ફિવર, અમદાવાદની SVP હોસ્પિટલમાં મોત, તંત્ર દોડતું થયું

 સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ચોમસા દરમિયાન રોગચાળાએ ભરડો લીધો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામના 75 વર્ષીય સુખીબેન કરશનભાઈ મેણીયાને કોંગો ફિવર થતાં 20 ઓગસ્ટે તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ રવિવારે રાત્રે 11:30 કલાકે તેમનું મોત થતા હોસ્પિટલ સહિત સમગ્ર ગુજરાતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને રાજ્યમાં સૌપ્રથમ કોંગો ફિવરથી મોતનો કિસ્સો સામે આવતા રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. આ અંગે DivyaBhaskarએ એક એક્સક્લુઝિવ રિપોર્ટ તૈયાર કર્યો છે.
સૌ પહેલા શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે પૂણેની વાઈરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડૉ.ભાવિન સોલંકીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુખીબેન મેણીયા નામની મહિલાનું કોંગો ફિવરથી મોત થયું હોવાનું પોઝિટિવ રિપોર્ટ આવતા રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. તેઓની સારવાર કરનારા તમામ પેરા મેડિકલ સ્ટાફની પણ સારવાર કરવામાં આવી રહી છે. જે ગામ(જામડી)માં તેઓ રહેતા હતા ત્યાં પણ આ મામલે જાણ કરી સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી છે.