રાજકોટના ખોરાણા ગામે પાણીના ખાડામાં કાર ખાબકતા ટ્રાન્સપોર્ટરનું મોત

  • રાજકોટના ખોરાણા ગામે પાણીના ખાડામાં કાર ખાબકતા ટ્રાન્સપોર્ટરનું મોત
    રાજકોટના ખોરાણા ગામે પાણીના ખાડામાં કાર ખાબકતા ટ્રાન્સપોર્ટરનું મોત

રાજકોટ તા,14
રાજકોટની ભાગોળે આવેલા ખોરાણા ગામ પાસે કાર પાણીના ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઘવાયેલા રાજકોટના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનું મોત નિપજયું હતું. જયારે કાર ચાલક સહિત બેને ઈજા પહોંચી હતી. યુવાનના મૃત્યુથી દરબાર પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં કાલાવડ રોડ પર રૂરલ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા જયપાલસિંહ જેસુભા ગોહિલ નામના 42 વર્ષનો યુવાન તેના મિત્ર ધમભા ઝાલા અને કાર ડ્રાઈવર લોઠડા ગામથી રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં રાજકોટ પરત ફરી રહ્યા હતા. ત્યારે ખોરાણા ગામ નજીક પહોંચતા કાર ચાલકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતા કાર પાણીના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા જયપાલસિંહ ગોહિલને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.
પ્રાથમિક પુછતાછમાં મૃતક બે ભાઇમાં મોટા અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આગળની કાનુની કાર્યવાહીનો દોર લંબાવ્યો છે.