રાજકોટમાં રોગચાળો અટકાવવા 70 થી વધુ વિસ્તારમાં કેમ્પ


રાજકોટ તા,14
મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર એક સયુંકત યાદીમાં જણાવે છે કે, તાજેતરમાંજ શહેરમાં મેઘરાજાની કૃપા થઇ છે અને જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ભારે વરસાદના કારણે શહેરમાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પાણી નિકાસ, અમુક વિસ્તારોમાં સ્થળાંતર તેમજ જુદી જુદી ફરિયાદના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છે. વરસાદના વિરામ બાદ પાણીજન્ય તથા વાહનજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તમામ વોર્ડમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમજ ખાસ કરીને પછાત વિસ્તારોમાં મેડીકલ ટીમ દ્વારા વિનામુલ્યે તપાસ તથા સારવાર કરાશે.
રાજકોટ શહેરના અંદાજીત 70 થી વધારે પછાત વિસ્તારોમાં વરસાદના કારણે રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે. નક્કી કરેલ સ્થળ પર મોબાઈલ ડીસ્પેન્સરીની મોબાઈલ ટીમ દ્વારા ડોક્ટરો દ્વારા વિનામુલ્યે તપાસ તથા સારવાર આપવમાં આવશે. સાથે જરૂરીયાત મંદોને લેબોરેટરી તપાસ અથવા અન્ય મેડીકલ જરૂરીયાત અંગે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવશે.
હાલમાં રાજકોટ શહેરમાં 21 આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જ્યાં વિનામુલ્યે નિદાન, લેબોરેટરી તપાસ તથા દવા / રસીકરણ આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક આરોગ્ય કેન્દ્રો પર નક્કી કરેલ દિવસોએ સ્ત્રીરોગ તથા બાળરોગ નિષ્ણાંતની સેવા ઉપલબ્ધ્ધ છે. જેનો લાભ લેવા વિનંતી. આ કામગીરીનું સુપરવીઝન આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર દ્વારા કરવામાં આવશે. શહેરના 18 વોર્ડમાં મેલેરીયા વિભાગના સ્ટાફ દ્વારા બંધિયાર વરસાદી પાણીના ખાડાની વિગત તૈયાર કરવામાં આવેલ છે. આ સ્થિર વરસાદી પાણીના ખાડામાં 10 થી 15 દિવસમાં ઉત્પતિ થઇ શકે છે. મચ્છરજન્ય રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે અંદાજીત 350 વરસાદી પાણીના ખાડામાં દવાનો સઘન છંટકાવ કરવામાં આવેલ છે. સાથે પેરી અર્બન (શહેરના બાજુના વિસ્તાર)માં પણ દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. આ કામગીરીનું વોર્ડ વાઈઝ માઈક્રોપ્લાનીંગ કરી કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. લોકોને પણ પોતાના ઘરની આજુબાજુના પાણીના ખાડામાં મચ્છરની ઉત્પતિ રોકવા કેરોસીન અથવા બળેલા તેલનો છંટકાવ કરવા અપીલ કરવામાં આવે છે. આ કામગીરીનું સઘન સુપરવીઝન બાયોલોજીસ્ટ તથા મેલેરીયા ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે.
વરસાદી પાણીને પીવાના પાણી પ્રદુષિત થવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલા રૂપે આશાવર્કર દ્વારા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ પછાત વિસ્તારોમાં ઘરે ઘરે વિતરણ કરવામાં આવશે.