સોમનાથ જિલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડાની ઉજવણી સંપન્ન

  • સોમનાથ  જિલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડાની ઉજવણી સંપન્ન
    સોમનાથ જિલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડાની ઉજવણી સંપન્ન

વેરાવળ તા.14
ગીર સોમનાથ જિલ્લામા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના અંતિમ દિવસે વિનોબા વિનય મંદિર કીડીવાવ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મણીબેન જાલોંધરાના અધ્યક્ષસ્થાને મહિલા શારિરીક સૌષ્ડવ દિવસની ઉજવણી કરવામા આવી હતી.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્રારા વેરાવળ તાલુકાના કીડીવાવ ગામે આયોજીત કાર્યક્રમમા વનરાજભાઇ ડોડીયાએ યોગ નિદર્શન અંગે અને સંદિપભાઇ રાઠોડે સ્વરક્ષણ, જુડો, કરાટે અને બોક્સીંગ અંગે માર્ગદર્શન આપેલ હતું. આ ઉપરાંત મહાનુભાવો અને અધિકારીઓએ વિધાર્થીઓને સ્વાસ્થય પ્રત્યે કાળજી રાખવા, સારા નાગરિક બની રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા અને પોતાના ક્ષેત્રમાં સક્ષમ બનવા માટે પ્રેરણા આપી હતી તેમજ વિધાર્થીનીઓએ તેમના અભિપ્રાયો વ્યક્ત કરતા સંસ્થાની દિકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, મહિલા અગ્રણી સંગીતાબેન ચાંડપા, શીતલબેન, મામલતદાર દેવકુમાર આંબલીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશભાઇ મકવાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્રિન સોલંકી, શાળાના આચાર્ય રામસીભાઈ ડોડીયા અને મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
સ્ટેમ્પ ડયુટીના દરમાં નવો સુધારો કરાયો
રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની અનુસુચિ-1 માં સ્ટેમ્પ ડયુટીના ફીક્સ રકમના સુધારેલ દરો તા.05-08-2019 થી અમલમાં આવેલ છે. સોગંદનામા (એફીડેવીટ) તથા નોટરીના લખાણના લેખ માટે રૂા.50, દત્તકપત્ર, લગ્ન નોંધણી, ભાગીદારી દેખમાં ફિક્સ સ્ટેમ્પ ડયુટીના દર ધરાવતા લેખ તથા વારસાગત મિલકતમાં કૌટુંબિક સભ્ય દ્રારા કે તેઓની તરફેણમાં હક્ક જતો કરવાના લેખ માટે રૂા.200 અને આના સિવાયના દસ્તાવેજો સિવાયના ફિક્સ સ્ટેમ્પ ડયુટીના દર ધરાવતા લેખો જેવા કે, વહીવટીખત, કબુલાત, એપ્રેન્ટીસશીપ લેખ, એવોર્ડ, છુટાછેડાનો લેખ, બાંયધરીખત, લાયસન્સપત્ર, મુખત્યારનામાના ફિક્સ સ્ટેમ્પ ડયુટી દર ધરાવતા લેખ, ગીરો છોડાવવાના લેખ, લીઝ રીલીઝ લેખ અને ટ્રસ્ટના લેખો સહિત અનુસુચિમાં દર્શાવેલ અન્ય લેખ માટે રૂા.300 નિયત કરવામાં આવેલ છે. આ સુધારેલ દર મુજબની સ્ટેમ્પ ડયુટી ભરપાઇ ન થયેલ લેખો પુરાવા પાત્ર ગણાશે નહિ તેમજ સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર દ્રારા ખૂટતી સ્ટેમ્પ ડયુટી દંડ સાથે વસુલાતને પાત્ર રહેશે. આ દંડ ખુટતી સ્ટેમ્પ ડયુટીની દશ ગણી રકમ સુધી થઈ શકશે. આ સુધારેલ સ્ટેમ્પ ડયુટીના દર ગીર સોમનાથ જિલ્લામાં લાગુ પડશે તેમ સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની યાદીમાં જણાવાયું છે.
નોંધણી ફીના દરોમાં નવો સુધારો અમલમાં
રાજ્યમાં નોંધણી અધિનિયમ 1908ની કલમ-78 મુજબ નોંધણી ફી ની અનુસુચિ-1 મુજબ નોંધણી ફી ના દરો તા.07-08-2019 થી નવા અમલમાં આવેલ છે. બાનાખત કબ્જા વગર, પટ્ટો સોંપી દેવો, વ્યવસ્થાપત્ર રદ, ડુપ્લીકેટ, છુટાછેડા, નોટીસ, દત્તકપત્ર, ભાગીદારી વિસર્જન, ડેક્લેરેશન, ટ્રસ્ટ, વીલ, વીલ રદ, વીલ અનામત, કમિશન, જાસ્તીગીરો, વધારાની ફી, ગીરોદારને વેચાણ, ગણોત્તિયા લેખ, પહોંચ, વારસા હક્કનું પ્રમાણપત્ર, વહીવટી પ્રમાણપત્ર, ગીરોપરત વગેરે ફિક્સ દરોમાં લેવામાં આવતી નોંધણી ફિના લેખો માટે રૂા.100, શોધના પહેલા વર્ષ માટે રૂા.20, વધારાના દરેક વર્ષ માટે રૂા.10, 100 શબ્દો સરખામણી ફી તથા નકલ ફોલિયા ફી, શેરા ફી, 65/67 ની નકલો મોકલવા માટે, નકશાની નકલ માટે રૂા.10, દસ્તાવેજની નકલ ફોલિયા દીઠ ફી રૂા.10, ફોટોગ્રાફ નકલ માટે 18.5 ડ્ઢ 11.4 માટે રૂા.10, 25.4 ડ્ઢ 15.2 માટે રૂા.15 અને 30.5 ડ્ઢ 19 માટે રૂા.20 તેમજ ખાનગી મકાન વિઝીટ જિલ્લા મથકે રૂા.200 અને બીજા સ્થળે રૂા.100 નક્કી કરવામાં આવેલ છે. જાહેરનામામાં સુધારેલ દર મુજબની નોંધણી ફી ભરપાઈ ન થયેલ લેખો, કમી નોંધણી ફી ને પાત્ર ગણાશે તેમજ કમી નોંધણી ફી વસુલાતને પાત્ર રહેનાર હોવાનું નાયબ નોંધણી સર નિરિક્ષકની યાદીમાં જણાવાયું છે.