વાહનોના થર્ડ પાર્ટી વીમાની વાર્ષિક ઝંઝટ ટળી શકે છે

નવી દિલ્હી તા.8
આવતા સમયગાળામાં હવે કદાચ થર્ડ પાર્ટી વીમો દર વર્ષે નહીં ઉતરાવવો પડે. વાહનનો વીમો એક સાથે ઘણા વર્ષો માટે ઉતરાવી શકાશે. ઇરડાએ સામાન્ય વીમા કંપનીઓને થર્ડ પાર્ટી વીમો લાંબા સમય માટે આપવા કહ્યું છે. જો વીમા કંપનીઓ તેનો અમલ કરશે દર વર્ષે વીમો ઉતરાવવાની ઝંઝટમાંથી રાહત મળશે અને પ્રીમીયમ પણ ઓછું થશે.
વીમા કંપનીઓને લખેલા પત્રમાં ઇરડાએ કહ્યું કે વાહનોના વાર્ષિક વીમાને બદલે ત્રણ અને પાંચ વર્ષ માટે વીમા પર વિચાર કરવો જોઇએ. આના લીધે પ્રીમીયમના દર ઘટશે અને વધુને વધુ લોકો વાહનોના વીમા લેવા પ્રેરાશે. હાલમાં થર્ડ પાર્ટી વીમો ફરજીયાત હોવા છતાં પણ 50%થી થોડા વધારે વાહનોનો જ વીમો થાય છે. ઈરડાની વાત માનવામાં આવે તો લાંબી મુદતની વીમા પોલીસીને લીધે પ્રીમીયમ ધટવાની સાથે પોલીસી ધારકોને બીજા ઘણા લાભ મળશે. જેના કારણે વધુને વધુ લોકો વીમો કરાવશે કેમ કે તેમને દર વર્ષે રીન્યુ નહીં કરાવવો પડે. બીજુ આના લીધે પ્રીમયમ દરોમાં સ્થાયીત્વ આવશે અને વાહન માલીકોને પ્રીમીયમના દરોમાં થતો વારંવારનો વધારો નહીં ભોગવવો પડે.