પં.બંગાળમાં 3 દી’માં બીજા ભાજપી કાર્યકરની ક્રૂર હત્યા

કોલકત્તા તા.2
પશ્ર્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બલરામપુરમાં વધુ એક બીજેપી કાર્યકર્તાનો વીજળીના થાંભલા સાથે લટકતો મૃતદેહ મળ્યો છે. ત્રણ દિવસમાં બીજેપી કાર્યકર્તાની મોતનો આ બીજો મામલો સામે આવ્યો છે. શબની ઓળખ બલરામપુરના રહેવાસી 32 વર્ષીય દુલાલ કુમાર તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે, 30 મેના રોજ 18 વર્ષના બીજેપી કાર્યકર્તા ત્રિલોચન મહતોનો મૃતદેહ વૃક્ષથી લટકેલો મળ્યો હતો. આ મોતો માટે બીજેપીએ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે. પોલીસે મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે.
બંગાળ બીજેપીએ ટ્વિટર પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પર નિશાન સાધ્યું છે. ટ્વિટમાં લખ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસના ગુંડા સાંસદ અભિષેકના કહેવાથી પુરુલિયામાં વિપક્ષને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે.
બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે તૃણમૂલ કોંગ્રેસ પર રાજ્યમાંથી રાજકીય વિપક્ષને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે અમે આ પ્રકારની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છીએ.
ઘટના બાદ બીજેપી મહાસચિવ અને બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીએ ટ્વિટમાં લખ્યું કે, ડીજેના પુર્ણ પ્રયાસ બાદ પણ અંતે પુરુલિયા જિલ્લામાં બીજેપી કાર્યકર્તાની લાશ સવારે ટાવર પર લટકેલી મળી છે. મેં કાલ રાતે અનુજ શર્મા એડીજી લો એન્ડ ઓર્ડર, પશ્ચિમ બંગાળ સાથે વિગતે વાત કરી હતી. બલરામપુરના દુલાલનો જીવ જોખમમાં છે તે જણાવતા તેને ગમે તેમ કરીને બચાવવા માટે અનેકવાર કહ્યું. તેમણે કહ્યું કે, પોલીસ પોતાની સમગ્ર તાકાતથી પ્રયાસ કરી રહી છે એન હું જાતે પૂર્ણ પ્રયાસ કરીશ.
આ પૂર્વે ભાજપના કાર્યકર્તા ત્રિલોચન મહતોનું શબ 30 મેનાં રોજ ઝાડ પરથી લટકેલી હાલતમાં મળ્યું હતું. તેના શબ પર એક પોસ્ટર ચોંટાડેલું હતું, જેના પર લખ્યું હતું કે ભાજપનો સાથ આપવાનું આજ પરિણામ રહેશે. આ ઘટના પર અમિત શાહે દુખ વ્યક્ત કર્યું હતું. તેઓએ ટીએમસીને જવાબદાર ગણાવી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ટીએમસી હિંસાના મામલે કોમ્યુનિસ્ટ પાર્ટીથી પણ આગળ નીકળી ગયા છે.