સરકારી યુધ્ધવિરામ સામે આતંકીઓ કહે, હુમલા કરીશું

શ્રીનગર તા,17
ભારતે રમજાન નિમિતે સીએમ મહેબૂબા મુફ્તીની અપીલને ધ્યાને લઇને કાશ્મીરમાં યુદ્ધવિરામની ઓફર કરી હતી જેને લશ્કરે તોયબાએ ફગાવી દીધી છે અને આતંકી હુમલાઓ ચાલુ રખવાની વાત કહી છે.
મુસ્લિમોના માસ રમજાન અને અમરનાથ યાત્રા દરમિયાન ખીણ વિસ્તારમાં એકતરફી યુદ્ધવિરામની જમ્મુ કાશ્મીરના સીએમ મહેબૂબા મુફતીની અપીલને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી હતી. તેથી હવે એક મહિના સુધી કાશ્મીરમાં આતંકવાદી સામે લશ્કરી અભિયાન બંધ રહેશે. જોકે ભારત સરકારે કોઈ આતંકવાદી હુમલાની સ્થિતિમાં સુરક્ષા દળોને જડબાતોડ જવાબ આપવાની છૂટ આપી છે. બીજી તરફ આતંકી સંગઠન લશકરે તોયબાએ કહ્યું કે, રમજાન માસ દરમિયાન પણ હુમલાઓ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું કે સરકારે રમજાન દરમિયાન કાશ્મીરના વિસ્તારમાં સુરક્ષા દળોને આતંકવાદ વિરોધી કોઈ નવું ઓપરેશન શરૂ ન કરવાનો આદેશ આપ્યો છે. બીજા એક ટ્વિટમાં પોસ્ટ કર્યું કે લોકોની સુરક્ષાને લઇને તથા કોઈ પણ આતંકવાદી હુમલાની સામે જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર સૈન્યનો રહેશે.
કેન્દ્ર સરકારે અગાઉ રમજાન દરમિયાન ઓપરેશન ઓલઆઉટને અટકાવી દેવાની જાહેરાત કરી હતી. જમ્મુ સીએમ મહેબૂબા મુફતીએ રમઝાન દરમિયાન ખીણ વિસ્તારમાં એકતરફી યુદ્ધવિરામ કરવાની અપીલ કરી હતી જેને સ્વીકારી લઈને કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને ઓપરેશન ઓલઆઉટ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. પણ આતંકીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ નહીં સુધરે.