રાજ્યના પ્રા. આચાર્યોની 1929 જગ્યા રદ્દ

ગાંધીનગર તા,17
રાજ્યની પ્રાથમિક શાળામાં આચાર્યોની કુલ 11,397 જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી અને તેના આધારે એચટાટની પરીક્ષા લઈને ભરતી કરવામાં આવી હતી, પરંતુ હવે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મંજૂર કરેલ જગ્યાઓ પૈકીની 1929 જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ભારે રોષ ફેલાયો છે, કારણ કે જે જગ્યાઓ રદ કરવામાં આવી છે તેમાં અંદાજે 1 હજારથી વધુ જગ્યાઓ એવી છે કે જ્યા આચાર્યો ફરજ બજાવી રહ્યાં છે.
બીજી તરફ આ નિર્ણયનાં પગલે ભ્રષ્ટાચાર પણ વધવાની શક્યતાઓ સર્જાશે કારણ કે, જે નિમણુંકો મળેલી છે તે મેરિટનાં આધારે પસંદગીની સ્કૂલો મળી છે અને હવે સ્કૂલ બદલવાનો વારો આવશે ત્યારે સારી સ્કૂલોમાં જવા માટે અને મોકલવા માટે અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરશે તેવુ સુત્રો જણાવી રહ્યાં છે. નિયામક દ્વારા કરેલ પરિપત્રમાં જણાવ્યુ છે કે, આરટીઈ એક્ટની જોગવાઈઓ મુજબ ધોરણ.1થી 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી અથવા તો ધોરણ 6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા અથવા તો ધોરણ 1થી 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા અને ધોરણ 6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાનો માપદંડ જળવાતો નથી તેવી 1929 પ્રાથમિક સ્કૂલોની મુખ્ય શિક્ષકોની જગ્યાઓ રદ કરવામાં આવે છે.