દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, અય જિન્દગી હમે તેરા ઐતબાર ના રહા: કિમ જોંગનો બટકણો ભરોસો!

  • દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, અય જિન્દગી હમે તેરા ઐતબાર ના રહા: કિમ જોંગનો બટકણો ભરોસો!
    દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, અય જિન્દગી હમે તેરા ઐતબાર ના રહા: કિમ જોંગનો બટકણો ભરોસો!

વિશ્ર્વને અણુયુધ્ધના આરે મૂકી દેનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગે તલવાર મ્યાન કરી અને મૈત્રીનો વિશ્ર્વવ્યાપી પડઘો પાડયો તે ઘટનાને હજુ ગણતરીનાં દિવસો વિત્યા છે ત્યાં ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ ની સ્થિતિ પેદા થઈ છે. આ બદલાવ હવે પછી કેવો વળાંક લેશે તે તરફ સમગ્ર વિશ્ર્વની મીટ રહેશે. હાલ તૂર્ત તો એમ કહી શકાય કે, કિમ જોંગનું દક્ષિણ કોરિયા સાથે ગોઠવાયેલી મંત્રણા રદ કરવાનું પગલું વિશ્ર્વશાંતિ પર ફરી ખતરાની આલબેલ સમું છે અને અણુધ્ધની ચકમકને પુન: જીવિત કરે તેવું છે.
ન્યુયોર્કનો આ અંગેનો અહેવાલ દર્શાવે છે કે, થોડા સમયથી નરમ પડેલું ઉત્તર કોરિયા અચાનક વિફર્યું છે. તેણે દક્ષિણ કોરિયા સાથે થનારી ઉચ્ચ સ્તરીય વાતચીત રદ્દ કરી દીધી છે. સાથે જ ઉત્તર કોરિયાએ અમેરિકાના રાષ્ટ્રાપતિ સાથે થનારી ઐતિહાસીક બેઠક પણ રદ્દ કરી દેવાની ધમકી આપી છે. ઉત્તર કોરિયાના આ પ્રકારના આકરા વલણ પાછળ અમેરિકા અને દક્ષિણ કોરિયાની વાયુસેના વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ મેક્સ થંડર કારણભૂત છે
છાસવારે પરમાણું યુદ્ધની ધમકી આપનારુ ઉત્તર કોરિયા અચાનક જ નરમ પડ્યું હતું અને તે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે વાતચીતના ટેબલ પર આવવા સહમત થયું હતું. ઉત્તર કોરિયાનો માથા ફરેલ સરમુખત્યાર અચાનક જ દક્ષિણ કોરિયાની મુલાકાત પણ લઈ આવ્યાં. હવે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન વચ્ચે ગત મહિને થયેલી મુલાકાતનો દોર આગળ વધારવા આગામી સમયમાં બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવવાની હતી. જેને ઉત્તર કોરિયાએ અચાનક જ રદ્દ કરી દીધી છે. ઉત્તર કોરિયાની સમાચાર એજંસી યોનહાપના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ કોરિયા સાથેની વાતચીત રદ્દ કર્યા બાદ હવે અમેરિકા સાથેની વાતચીત પણ રદ્દ કરવાની ધમકી આપવામાં આવી છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 12 જૂને સિંગાપોરમાં ઐતિહાસીક બેઠક યોજાનાર છે. આ બેઠકની દુનિયા ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે જેને ઉત્તર કોરિયાએ રદ્દ કરવાની ધમકી આપી છે.
ઉત્તર કોરિયાના આ આકરા વલણ પાછળ અમેરિકા અને દક્ષિણ કોરિયાના નૌકાદળ વચ્ચેને સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આ સૈન્ય અભ્યાસનું નામ મેક્સ થંડર છે. જોકે વાતચીત રદ્દ કરવાની ધમકી વચ્ચે પણ અમેરિકાનું કહેવું છે કે, તે પ્યોંગયોંગની ધમકી છતાં શિખર વાર્તાની સમ્મેલનની તૈયારીઓ કરી રહ્યું છે. આશા છે કે, બંન્ને દેશના નેતાઓ વચ્ચે આ બેઠક યોજાશે. આ ઘટના ઉપરથી એવું ફલિત થાય છે કે, દક્ષિણ કોરિયાના વડાએ ઉત્તર કોરિયાના વડામાં અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોગમા રાખેલા દોસ્તી સંબંધી ભરોસા તકલાદી અને બટકણા નીવડયા છે.
ઉત્તર કોરિયાના વડા કિમ જોંગે દક્ષિણ કોરિયાનાં અને અમેરિકાના પ્રમુખો સાથે મંત્રણાની હિલચાલ ક્રી તે પહેલા તેમણે ચીનની ખાસ મુલાકાત લઈને ચીનના વડા સાથે સલાહસૂચના કરી હતી અને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતુ. આ બાબત સારી પેઠે સૂચક હતી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કિમ જોગ સાથે મંત્રણા કરવાનો અને તેની સાથે દોસ્તી કરવાનો નિર્ણય કર્યો તે રાજદ્વારી આંટીઘૂંટીની દ્રષ્ટિએ પોકળ અને ખોખલો હોવાની છાપ ઉપસતી જ હતી. ટ્રમ્પે પાકિસ્તાન સાથે શત્રુતા દાખવી હતી અને તડાફડી પણ કરી હતી, જે ચીન-પાકિસ્તાનની દોસ્તીની દ્રષ્ટીએ દંભી જ હતી. દક્ષિણ કોરિયા અમેરિકાનું અને ઉત્તર કોરિયા રાજદ્વારી દ્રષ્ટિએ ચીનનું કાંધિયુ રહ્યું છે. બંનેનાં આર્થિક આટાપાટામાં ભિન્નતા છે. એમની રાજકીય નીતિ રીતિ વચ્ચે પણ ભિન્નતા છે. અને લશ્કરી દાવપેચ પણ અલગ અલગ ઘટના છે.
નવી પરિસ્થિતિ એમ માનવા પ્રેરે છે કે, ટ્રમ્પ-કિમ જોગ વચ્ચે યોજાયેલી અને અતિ મહત્વની ગણાયેલી મંત્રણાની ભૂમિકા તથા દક્ષિણ કોરિયાની ઉત્તર કોરિયા સાથેની નકકી થયેલી મંત્રણા રદ થયાની જાહેરાત સારી પેઠે ગંભીર બની શકે છે. ઓછામાં પૂરૂ કિંમ જોંગે ટ્રમ્પને ખખડાવ્યા હોવાનો નિર્દેશ એવું દર્શાવે છે કે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની કડવાશ હવે વધશે તેમની વચ્ચે ધમકીઓનો માહોલ પણ વધશે. વિશ્ર્વ શાંતિની સંભાવના પર વિશ્ર્વયુધ્ધનાં વાદળ ઘેરાવા લાગશે વૈશ્ર્વિક વ્યાપાર અને વૈશ્ર્વિક બજારો પર એની વિપરીત અસર થશે અને અસાધારણ નવાજૂનીઓનાં સંકટ ઘેરાશે.
કિમ જોંગ અને ટ્રમ્પ સુલેહ સમાધાનનું ડહાપણ દર્શાવે એમાં જ માનવજાતનું ભલું લેખાશે!