કર્ણાટકમાં રાજકીય ખૂનામરકીનાં ચિહ્નો: ગવર્નર પ્રથા સામે પડકાર!

કર્ણાટકનાં નવા રાજકીય પ્રવાહો વચ્ચે એવો ખ્યાલ ઉપસે છે કે, આપણા દેશમાં પ્રવર્તતી ‘ગર્વનર પ્રથા’ની જરૂરત સામે એક વધુ વખત પડકાર ઉઠશે અને તેને વહેલી તકે ખતમ કરવાની માંગણી ઉઠશે!
કહે છેકે ગવર્નર પ્રથા હવે સરી પેઠે વગોવાઈ ચૂકી છે. ગંદા અને ગોબરા રાજકારણે ગવર્નર પ્રથાની ગરવાઈને બેસુમાર હણી છે અને મતિભ્રષ્ટતા તેમજ રાજગાદીની બેહુદી લાલસાએ ગવર્નર પ્રથાનો ગેરબંધારણીય રીતે ઉપયોગ કરવામાં પાછુ વાળીને જોયું નથી.
સાચા-જૂઠા અહેવાલો મુજબ, ધારાસભ્યોને ફોડવા માટે પ્રત્યેકને રૂા.100 કરોડની જંગી લાંચ તથા પ્રધાનપદની ઓફરો કરવામાં આવી છે. ઓછામાં પૂરૂ અમુક ધારાસભ્યોને છૂપાવી દેવામાં આવ્યા છે.
જેડીએસ અને કોંગ્રેસે બુધવારે મધરાત સુધી સુપ્રીમ કોર્ટમાં લડત આપી છતાં નિરાશા સાંપડી તે સાથે જ દક્ષિણ ભારતના અતિ મહત્વના એવા કર્ણાટકમાં ફરીથી ભાજપનાં શાસનનો માર્ગ મોકળો થઇ ગયો હતો. રાજયપાલ વજુભાઇ વાળાએ સીંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભાજપાના મુખ્યમંત્રી પદના દાવેદાર યેદીયુરપ્પાને કર્ણાટકના મુખ્યમંત્રીપદનાં શપથ લેવડાવ્યા હતા. રાજભવન ખાતે યોજાયેલા સમારોહમાં યેદિયુરપ્પા ઉપરાંત અન્ય કોઇ મંત્રીઓનાં શપથ લેવાયા નહોતા કેમ કે વિધાનસભાના ફલોર પર બહુમતિ સાબિત કરવાની બાકી છે. રાજયપાલે તે માટે 1પ દિવસનો સમય આપ્યો છે. જો કે યેદીયુરપ્પા માટે આ પડકાર જેવો તેવો નથી. કોંગ્રેસે ફરી દોહરાવ્યું હતું કે અમારા તમામ ધારાસભ્યો રિસોર્ટમાં સલામત છે અને સંપેલા છે. ભાજપ કોઇપણ ભોગે તેમાંથી એકપણને ખેડવી કે ખરીદી નહીં શકે. બીજી બાજુ ભાજપે બહુમત માટે ખુટતા ધારાસભ્યો એકઠા કરવા લિંગાયત-કાર્ડ ખેલવું શરૂ કર્યુ છે.
કર્ણાટકમાં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં બહુમતીના આંકડાથી આઠ જેટલી બેઠકો દૂર છે. આવા સંજોગોમાં યેદિયુરપ્પા દ્વારા સરકાર બનાવવાનો દાવો કરાયો છે ત્યારે કર્ણાટકમાં ધારાસભ્યોની સંખ્યાના અંકગણિતના આધારે ભાજપની ફ્લોર ટેસ્ટની રણનીતિ પણ ઘણી રસપ્રદ બની રહેવાની છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને બહુમતી મળી નથી. નવી સરકાર બનાવવાને લઈને પેંચ ફસાયો છે. તો ફ્લોર ટેસ્ટમાં પણ ઘણાં દાંવપેચ જોવા મળવાના છે. આ ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો પ્રાપ્ત થઈ છે અને ભાજપે યેદિયુરપ્પાની આગેવાનીમાં કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. હવે ભાજપની કોશિશ છે કે કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને બહુમતી માટે જરૂરી 112 ધારાસભ્યોના ટેકાનો પત્ર રાજ્યપાલને આપી શકે નહીં.
જો કે જેડીએસ અને કોંગ્રેસના ચૂંટણી પછીના ગઠબંધન પાસે પરિણામોના આંકડા મુજબ 117 ધારાસભ્યોનો ટેકો છે. આ સંખ્યા પ્રમાણે 113ના મેજિક ફિગર કરતા ચાર ધારાસભ્યો વધારે છે. કોંગ્રેસ પ્રમાણે ધારાસભ્ય દળની બેઠકમાં ચાર એમએલએ પહોંચ્યા નથી. જેડીએસના બે ધારાસભ્યો પણ પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાંથી ગાયબ છે. આ આ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે એક અપક્ષ ધારાસભ્ય દ્વારા ભાજપને ટેકો આપવામાં આવ્યો છે.
તો કુમારસ્વામીએ બે વિધાનસભા બેઠકો પરથી વિજય પ્રાપ્ત કર્યો છે. તેથી ભાજપ રાજ્યપાલ પર દબાણ વધારશે કે કુમારસ્વામી વિશ્વાસમત પહેલા બેમાંથી એક બેઠક પરથી રાજીનામું આપે.
હવે વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન કોંગ્રેસ અને જેડીએસના ઓછામાં ઓછા 15 ધારાસભ્યો ગેરહાજર રહે તેવું આયોજન થઈ રહ્યું હોવાનું ભાજપના સૂત્રોનું કહેવું છે. આવી સ્થિતિમાં કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યો 222થી 207 થઈ જશે. બાદમાં ભાજપ 104 ધારાસભ્યોના દમ પર આસાનીથી બહુમતી સાબિત કરી શકશે.
કારણ કે 15 ધારાસભ્યો ગેરહાજર રહે તો તેવી સ્થિતિમાં મેજિક ફિગર 112થી ઘટીને 104 પર આવી જશે. ભાજપ દ્વારા લિંગાયત અસ્મિતાને મુદ્દો બનાવવાની કોશિશો થઈ રહી છે. લિંગાયત મઠના પ્રભાવનો પણ કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરાય તેવી સંભાવનાઓ વહેતી થઈ છે. તેના માટે ભાજપ દ્વારા લિંગાયત મઠોનો પણ સંપર્ક સાધવાનું શરૂ થયાની અટકળો છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસમાં 21 અને જેડીએસના 10 ધારાસભ્યો લિંગાયત સમુદાયના છે.
ભાજપના નેતા યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કરી લીધા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ બાદ કોંગ્રેસે રસ્તા પર ઉતરીને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાના સીએમ બનવાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ભાજપની પકડથી દૂર રાખવા માટે બેંગલુરુના ઈગલટન રિસોર્ટમાં રાખ્યા છે. શપથગ્રહણ સમારોહ બાદ કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાંથી નિકળીને બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં વિરોધ કરવા માટે પહોંચી ગયા છે. યેદિયુરપ્પાના તાજપોશી વિરુદ્ધ કોંગ્રેસ ધરણા કરશે. મહત્વનું છે કે ગુરૂવારે સવારે 9 કલાકે રાજ્યપાલ વજુભાઈ વાળાએ બીએસ યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા. યેદિયુરપ્પાએ ત્રીજી વખત કર્ણાટકના મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યું છે. આ મામલે કોર્ટે યેદિયુરપ્પાને રાહત આપતા શપથ રોકવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે ભાજપના સમર્થનમાં રહેલા ધારાસભ્યોની યાદી માંગી છે. આ સાથે રાજ્યપાલને આપેલા સમર્થન પત્રની પણ માંગ કરી છે. હવે કોર્ટ શુક્રવારે સવારે 10.30 કલાકે ફરી સુનાવણી કરશે.
આ બધુ સ્પષ્ટ પણે દર્શાવે છે કે ગવર્નર પ્રથા એના ગુણધર્મો અને સત્તાના ઉપયોગની પારદર્શિતામાં ઉણી ઉતરી છે. હજુ આ રાજકીય ગંદવાડ કેટલી હદે આપણા દેશની લોકશાહી ચૂંટણી પ્રથા અને ગવર્નર પ્રથાની આબરૂના દેશ દેશાવર સુધી લીરા ઉડાડશે એ તો કોણ જાણે!
અહી પક્ષાપક્ષીનાં હલકટ અખાડા નગ્નતા સુધી ઉઘાડા પડી ગયા છે. તમામ રાજકીય પક્ષોએ દેશની આવી બરબાદી સામે એક અવાજે અને સંયુકત પણ વિદ્રોહ સર્જવો ઘટે છે. અને ‘અધાર્મિકતા’ ના નિરંકુશ રાજને ખતમ કરવાનો ધર્મ બજાવવો જોઈએ, ગવર્નર પ્રથા જો દેશના પતનમાં આજની જેમ કારણભૂત બનવાની હોયતો એને યોગ્ય સ્થળે દફનાવી દેવી જોઈએ આજની સ્થિતિમાં રાષ્ટ્રધર્મનો આ તકાજો છે.
......