દેશમાં નોટબંધીએ મોટી ચલણી નોટો અંગે સર્જેલી હલચલ હજુ સર્જે છે ગરબડ !

દેશમાં નોટબંધીએ મોટી ચલણી નોટો અંગે સર્જેલી અને બેહદ ત્રાસદાયક બનેલી હલચલ હજુ કોઈને કો, સ્વરૂપની ગરબડ સર્જતી રહી છે. જુદી જુદી નોટો વિષે સરકાર દ્વારા જાહેર થતાં રહેલાં સૂચનો તથા હૂકમો સામાન્ય જનતાને સતત અકળાવતા રહ્યાં છે. હવે એવું નવું ફરમાન આવ્યું છે કે રૂપિયા 2000ની નોટો છાપવાનું બંધ કરાયું હોવાથી એને સાચવવાનું જરૂરી બની ગયું છે! આ અંગેનો નવી દિલ્હીનો સમાચાર અહેવાલ દર્શાવે છે કે રૂા.200ની અને રૂા.2000ની ફાટેલી કે ગંદી થયેલી આવી ચલણી નોટો સ્વીકારવામાં નહિ આવે.
આ સૂચના મહત્વની પણ છે, ને ગંભીર પણ છે. અહેવાલમાં દર્શાવાયું છે કે, જો તમારી પાસે પણ આવી નોટ હશે તો મોટું નુકસાન થઈ શકે છે. આરબીઆઈ તરફથી એલાન કરવામાં આવ્યું છે કે જો આ નોટ કોઈ કારણોસર ગંદી થઈ ગઈ હશે તો એને બેન્કમાં બદલી નહીં શકાય અને જમા પણ નહીં કરી શકાય. હકીકતમાં આરબીઆઇએ કરન્સી નોટોની એક્સચેન્જના નિયમોમાંથી આ નોટોને બાકાત રાખી છે. 2000ની નોટ 8 નવેમ્બર, 2016ના દિવસે તેમજ 200 રૂ.ની નોટ 2017ના ઓગસ્ટમાં ચલણમાં મુકવામાં આવી હતી. ફાટેલી કે ગંદી નોટોના એક્સચેન્જનો મામલો આરબીઆઇ (નોટ રિફંડ) રુલ્સ અંતર્ગત આવે છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1,000, 5,000 અને 10,000 રૂ.ની કરન્સી નોટોનો ઉલ્લેખ છે પણ 200 અને 2,000 રૂ.ની નોટોને એમાં સ્થાન નથી આપવામાં આવ્યું. સરકાર અને આરબીઆઇએ પણ એક્સચેન્જમાં લાગુ કરાયેલા નિયમોમાં કોઈ બદલાવ નથી કર્યો. હાલમાં 2,000 રૂ.ની કરન્સી મારફતે લગભગ 6.70 લાખ કરોડ રૂ. સરક્યુલેશનમાં છે. દેશના કેટલાય રાજ્યોમાં રોકડની અછતની ફરીયાદો વચ્ચે તાજેતરમાં આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતું કે, 500, 200 અને 100 રૂપિયાના મુલ્યની નોટ લેણદેણમાં સુવિધાજનક છે અને રોકડની માગ પુરી કરવા માટે 500 રૂપિયાની નોટની છપાઈ પ્રતિદિન 3000 કરોડ રૂપિયા સુધી વધારવામાં આવી છે અને 2000ની નોટની છપાઈ બંધ કરવામાં આવી છે.
બીજા એક એટલો જ ગંભીર અહેવાલ દર્શાવે છે કે, દેશમાંથી રૂ.500 અને 1000ના ડરની નોટો નાબૂદ થયાના દોઢ વર્ષ બાદ હજુ પણ કેટલાક કાળા-ધોળા કરતા લોકોએ જૂની નોટો સાચવી રાખી હોવાથી છાસવારે જૂની નોટો પકડાય છે ત્યારે શહેરના શાસ્ત્રીમેદાન પાસેથી પોલીસે રૂા. 1 કરોડ 69 લાખની જૂની ચલણી નોટોના જથ્થા સાથે રાજકોટ અને જૂનાગઢના બે શખ્સોને ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
દેશભરમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને આતંકવાદને ડામવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીનું એલાન કર્યું હતું જેમાં 500 અને 1000ની નોટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો તેમ છતાં હજુ સુધી દેશભરમાંથી પ્રતિબંધિત કરાયેલી નોટો મળી રહી છે. નોટબંધીના દોઢ વર્ષ પછી પણ આ પ્રતિબંધિત નોટોનો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે આવા બંધ થયેલી ચલણી નોટોનો કાળો કારોબાર કરતા લોકો ઉપર વોચ રાખવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જેસીપી દીપક ભટ્ટ, ડીસીપી બલરામ મીણા, કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી એસઓજી પીઆઇ એસ એન ગડુની રાહબરીમાં પીએસઆઇ ઓ પી સિસોદિયા, આર.કે.જાડેજા તથા ક્રિપાલસિંહ ચુડાસમા તથા ચેતનસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ રાણા, અનીલસિંહ ગોહિલ, વિજેન્દ્રસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલા, જયવિરભાઇ ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આર.કે.જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા તથા ચેતનસિંહ ગોહિલને ખાનગી રાહે હકીકત મળી હતી કે નવા બસ સ્ટેન્ડ શાસ્ત્રીમેદાન સામે સૂચક સ્કૂલવાડી શેરીમાં બે લોકો શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડે છે તેવી બાતમી આધારે એસઓજી સ્ટાફે દોડી જઈ બંનેની જડતી લેતા તેમની પાસેથી પ્રતિબંધિત કરાયેલી 500 અને 1000ના દરની જૂની ચલણી નોટો મળી આવતા પોલીસ કાફલો પણ ચોંકી ઉઠ્યો હતો. અસલી-નકલી નોટની મુંઝવણ સરકારને પણ પજવે છે. આને લગતો અહેવાલ દર્શાવે છે કે નકલી નોટ માર્કેટમાંથી બહાર કરવા માટે હવે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે. અસલી અને નકલી નોટની ઓળખ કરવા માટે આરબીઆઈ એક એપ્લિકેશન તૈયાર કરી રહ્યું છે. જેમાં તમામ નોટોના ખાસ ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે. નકલી નોટોનો ધંધો દર વર્ષે વધી રહ્યો છે જેને ગંભીરતાથી લેતા આરબીઆઈ આ એપ્લિકેશન લાવી રહ્યું છે. જેનાથી લોકો સરળતાથી ઓળખી શકશે કે નોટ અસલી છે કે નકલી. આરબીઆઈ એન્ડ્રોઈડ આધારિત સ્કેનર એપ્લિકેશન તૈયાર કરી રહ્યું છે. જે સ્કેનર એપ નોટને સ્કેન કરશે અને તેના ફીચર્સ ઓળખી જણાવશે કે નોટ અસલી છે કે નકલી. અત્યારે આ સ્કેનર એપનું ટ્રાયલ ચાલી રહ્યું છે. 95 ટકાથી વધુ એક્યૂરેસી લેવલ પર કામ થઈ ગયું છે. જ્યારે એપ 100 ટકા એક્યૂરેસી પર નોટની ઓળખ કરશે, ત્યારે આ એપ્લિકેશનને સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવશે.
આ એપ્લિકેશનમાં 10 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની તમામ નોટો (જૂની અને નવી)ની ઓળખ કરી શકાશે. આરબીઆઈએ અલગ અલગ નોટોના 14-17 ફીચર સામાન્ય લોકો માટે જાહેર કર્યા છે, પરંતુ આ સ્કેનર એપમાં એવા સિક્યોરિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કે જેનાથી કોઈ એપ્લિકેશનની સુરક્ષા ચક્ર તોડી ન શકે.
નોટબંધી અને તેનાં પરિણામ સ્વરૂપ પળોજણોએ સરકારને અને રીઝર્વ બેન્કને સારી પેઠે મુંઝવી છે. આ મુંઝવણો હજુ કયાં જઈને અટકશે તે કહેવું હજુ વહેલું ગણાશે આમ છતા આ હાલત અશુભ છે જ!