પેટ્રોલમાં લિટરે 17 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો વધારો

  • પેટ્રોલમાં લિટરે 17 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો વધારો
    પેટ્રોલમાં લિટરે 17 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો વધારો

નવીદિલ્હી તા.14
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થતાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરે અનુક્રમે 17 અને 21 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાંક સમયથી પેટ્રોલ-ડીઝલના સ્થિર કિંમતોમાં ફરીથી વધારો થવા જઇ રહ્યો છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ રૂ.74.80 પ્રતિ લીટર અને ડીઝલ રૂ.66.14 પ્રતિ લીટર, તો ચેન્નાઇમાં પેટ્રોલ રૂ.77.61 પ્રતિ લીટર જ્યારે ડીઝલ રૂ.69.79 પ્રતિ લીટર છે. આ તરફ મુંબઇમાં પેટ્રોલ 80ની પાર રૂ.82.65 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 70.43 પ્રતિ લીટરના ભાવે પહોંચ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નક્કી કરવાની ફોર્મ્યુલા અપનાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ તેલ મોંઘુ થતા અને કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થતા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચારને જોતાં સરકારના ઇશારા પર પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારને અટકાવી દીધો હતો પરંતુ મતદાન પૂર્ણ થતાં ફરી તે ભડકે બળવા લાગ્યું છે. જેના પગલે સરકાર સામે લોકોની નારાજગી વધી છે.
ખાસ વાત એ છેકે છેલ્લા 14-15 મહિનામાં ક્રૂડ ઓઇલનો ભાવ પહેલી વખત 70 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો કમજોર થઇ રહ્યો છે જેની અસર પણ સીધી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે.
રવિવારે 13 મેના રોજ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: રૂ.74.63 અને 82.48 હતો જ્યારે ડીઝલનો ભાવ બંને સ્થાનો પર ક્રમશ: 65.93 અને 70.20 પ્રતિ લીટર હતો. આગામી સમયમાં આ ભાવ વધારાના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર તેની અસર જોવા મળી શકે છે. જેના કારણે ફરીથી મોંઘવારીમાં વધારો થઇ શકે છે.