5 નવા હાઈવેને કેન્દ્રની મંજૂરી

  • 5 નવા હાઈવેને કેન્દ્રની મંજૂરી
    5 નવા હાઈવેને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી તા.14
કેન્દ્ર સરકારે પાંચ નવા હાઈ-વે બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ નવા હાઈ-વે મોટા ઈન્ડસ્ટ્રીયલ અને મેન્યુફેક્ચરિંગ હબ્સને એવી રીતે જોડશે કે જેથી તેમની વચ્ચેનું અંતર લગભગ 200 કિમી સુધી ઘટી જશે. ગત મહિને જ કેન્દ્ર સરકારે ગુરુગ્રામ અને મુંબઈ વચ્ચે નવો એક્સપ્રેસ વે બનાવવાનું કામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ એક્સપ્રેસ વે બની ગયા બાદ આ બંને શહેરો વચ્ચેનું અંતર લગભગ 200 કિમી ઘટી જશે. આ ઉપરાંત નવા હાઈવેઝ બનનવાથી ઘણા એવા નાના શહેરો અને ગામોને ફાયદો થશે કે જ્યાં હજુ સુધી વિકાસની પૂરેપૂરી તકો પહોંચી નથી. એ રીતે આવા શહેરો અને ગામોના વિકાસની સાથે-સાથે અહીંના લોકોને રોજગારીની નવી તકો પણ મળશે.
આ ઉપરાંત ભટિંદા-કંટલા, ભટિંદા-અજેમેર, રાયપુર-વિશાખાપટ્ટનમ, ચેન્નઈ-સલેમ અને અંબાલા-કતપુતલી વચ્ચે નવા હાઈવે બનાવવામાં આવશે. આ સિવાય અન્ય બે શહેરો વચ્ચેની કનેક્ટિવિટીને સુધારવાનો પણ નિર્ણય લેવાયો છે. જેમાં છત્તીસગઢમાં દુર્ગ-ઓરંગ અને કર્ણાટકમાં મેંગલોર-ચિત્રદુર્ગનો સમાવેશ થાય છે.
કેન્દ્રિય હાઈવેઝ મંત્રાલયે હાલના કોરિડોર્સને પહોળો કરવાને બદલે તેને લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે જમીન સંપાદન, જમીન માટે ચૂકવવી પડતી ઊંચી કિંમત અને દબાણ હટાવવા જેવી સમસ્યાઓથી થતો વિલંબ ટાળી શકાશે.
સૂત્રોના કહેવા મુજબ, ભટિંદા અને કંડલા વચ્ચે બનનારો હાઈવે હનુમાનનગર, બિકાનેર, જોધપુર, બારમેર અને સાંચોરમાંથી પસાર થશે. આ હાઈવેને કારણે આ બંને શહેરો વચ્ચેનું હાલનું 1,100 કિમીનું અંતર ઘટીને 900 કિમી થઈ જશે. આ પ્રસ્તાવિત ફોર લાઈન ગ્રીનફિલ્ડ હાઈવ બનાવવામાં ખર્ચ પણ ઓછો આવશે અને નવા વિસ્તારોમાં વિકાસની તક પણ ઊભી થશે.
એ જ રીતે, ભટિંદા અને અજમેર વચ્ચે બનનારો હાઈવે હરીયાળામાં સિરસા અને રાજસ્થાનમાં સિકરમાંથી પસાર થશે. આ હાઈવેને કારણે બંને શહેરો વચ્ચેનું અંતર 120 કિમી ઘટી જશે. સૂત્રોએ જણાવ્યું કે, ચેન્નઈ અને તમિળનાડુના સેલમ વચ્ચેના નવા હાઈવેથી 70 કિમીનું અંતર ઘટી જશે.