અસલી-નકલી નોટ ચેક કરવા ખાસ એપ લોન્ચ કરશે RBI

  • અસલી-નકલી નોટ ચેક કરવા ખાસ એપ લોન્ચ કરશે RBI
    અસલી-નકલી નોટ ચેક કરવા ખાસ એપ લોન્ચ કરશે RBI

નવી દિલ્હી તા.14
નકલી નોટ માર્કેટમાંથી બહાર કરવા માટે હવે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે. અસલી અને નકલી નોટની ઓળખ કરવા માટે આરબીઆઈ એક એપ્લિકેશન તૈયાર કરી રહ્યું છે. જેમાં તમામ નોટોના ખાસ ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે. નકલી નોટોનો ધંધો દર વર્ષે વધી રહ્યો છે જેને ગંભીરતાથી લેતા આરબીઆઈ આ એપ્લિકેશન લાવી રહ્યું છે.
જેનાથી લોકો સરળતાથી ઓળખી શકશે કે નોટ અસલી છે કે નકલી. આરબીઆઈ એન્ડ્રોઈડ આધારિત સ્કેનર એપ્લિકેશન તૈયાર કરી રહ્યું છે. જે સ્કેનર એપ નોટને સ્કેન કરશે અને તેના ફીચર્સ ઓળખી જણાવશે કે નોટ અસલી છે કે નકલી. અત્યારે આ સ્કેનર એપનું ટ્રાયલ ચાલી રહ્યું છે. 95 ટકાથી વધુ એક્યૂરેસી લેવલ પર કામ થઈ ગયું છે. જ્યારે એપ 100 ટકા એક્યૂરેસી પર નોટની ઓળખ કરશે, ત્યારે આ એપ્લિકેશનને સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવશે.
આ એપ્લિકેશનમાં 10 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની તમામ નોટો (જૂની અને નવી)ની ઓળખ કરી શકાશે. આરબીઆઈએ અલગ અલગ નોટોના 14-17 ફીચર સામાન્ય લોકો માટે જાહેર કર્યા છે, પરંતુ આ સ્કેનર એપમાં એવા સિક્યોરિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કે જેનાથી કોઈ એપ્લિકેશનની સુરક્ષા ચક્ર તોડી ન શકે.