આતંકવાદી હેવાનિયત આપણા વિશ્ર્વનો પીછો કયારે છોડશે ? માનવજાતનો પ્રશ્ર્ન !

આતંકવાદ આખા વિશ્ર્વને રંજાડે છે. આખા વિશ્ર્વની માનવજાતને એ ત્રાસ આપે છે. એ કારણે તો એનું એક બીજું નામ ‘ત્રાસવાદીઓ’ પણ છે. પોતાને જોઈએ છે તે મળતું નથી અને પોતે ઈચ્છે છે તેમ થતું નથી, એની સામે એમનો બળવો છે. એમને સામાજિક ન્યાય મળતો નથી અને એમનું શોષણ થાય છે એવા અજંપા સાથે તેઓ વિદ્રોહી બન્યા છે અને આતંકી સ્વરૂપની ભાંગફોડ આચર્યા કરે છે... તેમને સંપૂર્ણપણે મ્હાત કરવા સત્તાધીશો મથે છે, પણ એમનો અંત આણી શકાતો નથી... આતંકીઓ ‘ચર્ચ’ને અને મંદિર-મસ્જિદોને પણ છોડતા નથી.
ઇન્ડોનેશિયાના જાકાર્તામાં તાજેતરના અહેવાલો મુજબ રવિવારે સવારે ઈન્ડોનેશિયાના પૂર્વી પ્રાંત જાવાના સુરબાયામાં આતંકી હુમલો થયો છે. ત્રણ ચર્ચને બોમ્બની મદદથી નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્ટ્રેઈટ ટાઈમ્સના જણાવ્યા મુજબ આ હુમલામાં 8 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ તે સમયે થયો જ્યારે સન્ડે માસ માટે શ્રધ્ધાળુઓ ચર્ચમાં એકઠા થયા હતા.
સુરબાયા ઈન્ડોનેશિયાનું બીજું સૌથી મોટું અને વ્યસ્ત શહેર છે. અહીં સાંતા મારિયા ચર્ચ પર થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. સુરબાયા સેન્ટ્રલ પેન્ટાકોસ્ટલ ચર્ચ પર વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જીકેઆઈ ડિપોનેગોર ચર્ચ પર થયેલા હુમલામાં વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે વધુ બે ઘાયલ લોકો મોતને ઘાટ ઉતર્યા હતા.
પૂર્વી જાવા પ્રાંતના પોલીસ પ્રવકતા કર્નલ ફ્રાંસે બારુંગ મનગેરાએ જણાવ્યું કે આ તમામ હુમલાઓ લગભગ સવારે 7 વાગ્યે થયા છે. કુલ 38 લોકો ઘાયલ થયા છે. આ તમામ હુમલાઓને પાર પાડવા મોટરસાઈકલ અને કારોમાં બોમ્બ રાખવામાં આવ્યા હતા.
સુરબાયાના ઉપમહાપૌર વિષ્ણુ શક્તિ બુઆનાએ જણાવ્યું કે ચોથો હુમલો કેથેડ્રલ ચર્ચ પર પણ થયો હતો પરંતુ એક સંદિગ્ધની ધરપકડના કારણે તે ષડયંત્ર નિષ્ફળ બનાવાયું હતું. ઈન્ડોનેશિયામાં થોડાક દિવસો પહેલાં રમખાણો થયા હતા. એક ડિટેન્શન સેન્ટરમાં કેટલાક લોકોને બંધક પણ બનાવવામાં આવ્યા હતા. આ હિંસામાં પાંચ લોકોના મોત નિપજ્યા હતા.
ઈન્ડોનેશિયા 2002થી આતંકવાદનો સામનો કરી રહ્યું છે ત્રે અલકાયદાથી જોડાયેલા એક સંગઠને બાલીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો કર્યા હતા. જેમાં 202 લોકોના મોત નિપજ્યા હતા જેમાંથી 88 ઓસ્ટ્રેલિયાના નાગરિક હતા.
એક અન્ય હેવાલ મુજબ અફઘાનિસ્તાનમાં નંગારહરના જલાલાબાદ શહેરમાં એક આત્મઘશતી હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે. ત્યાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે. મળતી જાણકારી મુજબ આ હુમલો બપોરના એક ભીડભાડવાળા વિસ્તારમાં થયો છે.
થોડાક દિવસ પહેલાં અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં એક ઉર્જા કંપનીમાં કાર્યરત સાત ભારતીય એન્જિનિયરો સહિત આઠ લોકોને અજ્ઞાત બંદૂકધારિયોએઅપહરણ કરી લીધા હતા. જો કે કોઈપણ સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી પરંતુ આ ક્ષેત્રમાં તાલિબાનનો વિશેષ પ્રભાવ છે. સ્થાનીય અધિકારીઓએ આ સંગઠન પર શંકા પણ દર્શાવી છે.
ત્યારબાદ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સલાહુદ્દીન રબ્બાનીએ પોતાના દેશમાં નવનિયુકત ભારતીય ઈચ્છાયુકત વિનય કુમારને કહ્યું છે કે તેઓની સરકાર તાલિબાન દ્વારા અપહરણ કરાયેલ ભારતીય એન્જિનિયરોને મુકત કરવામાં કોઈ પણ પ્રકારની કસર છોડી નથી.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં એમ જણાવ્યું હતું કે વિદેશ મંત્રી રબ્બાનીએ બગલાન પ્રાંતમાં ભારતીય એન્જિનિયરોના અપહરણ પર દુ:ખ વ્યકત કરતાં કહ્યું છે કે અપઘાન સુરક્ષાકર્મી તે એન્જિનિયરોને સુરક્ષિત રીતે મુકત કરવામાં કોઈ પણ પ્રકારની કસર છોડી નથી.
તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે ભારતીયોને મુકત કરવાની દિશામાં કબાયલી નેતાઓના આધારે વિશેષ પ્રયાસ પણ શરૂ કરી દેવામાં આવેલા છે. રબ્બાનીએ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે વાતચીત પણ કરી હતી જેમાં તેઓએ એવો વિશ્ર્વાસ આપ્યો હતો કે અફઘાન સરકાર એન્જિનિયરોની જલ્દી મુક્તિ માટે કોઈ પણ કસર બાકી નહીં રાખે.
યુરોપનું પેરિસ પણ આતંકી ડંખથી મુકત નથી
પેરિસમાં આતંકીએ લોકો પર ચાકૂથી હુમલો કર્યો હતો. પ્રથમ થતી માહિતી મુજબ એક અજ્ઞાત હુમલાખોરે સેન્ટ્રલ પેરિસના ઓપેરા જિલ્લામાં રસ્તાની વચ્ચે લોકો પર ચાકૂથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 2 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લેતા કહ્યું કે તેઓએ જ આ હત્યા કરાવી છે. ઘટના સ્થળે રહેલા પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે ચાકૂથી હુમલો કરનારા હુમલાખોરે ઘટનાને પાર પાડવા અલ્લાહ હૂ અકબરના નારાઓ લગાવ્યા હતા. પેરિસ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોરને પોલીસે ઠાર કર્યો છે.
ઘટના શનિવાર સાંજની છે. પેરિસ પોલીસે વધુમાં જણાવ્યું કે હુમલાખોર હાથમાં ચાકૂ લઈને સેન્ટ્રલ પેરિસમાં ઘૂસ્યો અને લોકો પર તાબડતોડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું.લોકો સ્થિતિને સમજે તે પહેલાં હુમલાખોરે લગભગ 5થી 6 લોકો પર હુમલો કરી દીધો હતો. આવી ઘટનાઓની હારમાળા અવિરત પણે રહી છે અને તે ઘણે અંશે વિશ્ર્વવ્યાપી બની ચૂકી છે. આખી માનવજાત એની રંજાડ અને ત્રાસ ખમે છે. કોઈ માતા તેના સંતાનો ત્રાસવાદી બને એમ ઈચ્છતી નથી. એક ચિંતકે કહ્યું છે કે વિશ્ર્વનો અવિચારી વિકાસ અને માનવસંસ્કૃત તેમજ મૂળભૂત સંસ્કારનો સદંતર હ્રાસ આ વિશ્ર્વવ્યાપી અનાચારના મૂળમાં છે. ભૌતિક વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે અને તે આડેધડ અર્થાત્ પ્લાનિંગ વગરનો છે, જો આ અવિચારી દોડ નહીં અટકે તો આ આતંકવાદી હેવાનિયત અપાણા વિશ્ર્વનો પીછો નહીં છોડે. આ સમસ્યા આખા વિશ્ર્વની છે એમ સમજી લઈને જો સામૂહિક ન્યાય શોધાશે તે વખતે વિશ્ર્વને નવો સૂર્યોદય સાંપડશે.