રોડ એકિસડેન્ટમાં હવે 10 ગણું વળતર

નવી દિલ્હી તા.1ર
કેન્દ્ર સરકારે રોડ એક્સિડેન્ટમાં પીડિતોને આપવામાં આવતા ઓછામાં ઓછા વળતરની રકમમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે જો રોડ એક્સિડેન્ટની ઘટનામાં કોઈ વ્યક્તિ જીવ ગુમાવશે તો તેના પરિવારને, અને એક્સિડેન્ટમાં ઘાયલ વ્યક્તિને 10 ગણ વધુ વળતર મળશે. કેન્દ્રના નિયમમાં 24 વર્ષ બાદ પહેલીવાર ફેરફાર કરીને વળતરની રકમને વધારવામાં આવી રહી છે. આ સાથે જ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા લોકોને વધુમાં વધુ વળતર મળે તે માટે મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં જવાનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.
આ નવો નિયમ ટૂંક સમયમાં જ લાગુ પડી જશે. જેના મુજબ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરીવારને રુ. 5 લાખ, તેમજ ઘટનામાં ઈજા પામેલા વ્યક્તિને ઈજાની ગંભીરતાના આધારે રુ.50000થી લઈને રુ. 5 લાખ સુધીનું વળતર આપવામાં આવશે. તેમજ આ રકમમાં પ્રત્યેક વર્ષે પોતાની રીતે જ 5%નો વધારો થાય તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.
સરકારના સૂત્રોનું કહેવું છે કે હકીકતમાં આ જોગવાઈઓ પીડિતોને તુરંત જ લાભ મળે તે માટે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના જ આંકડા મુજબ દેશમાં પ્રત્યેક વર્ષે 1.5 લાખ લોકો રોડ એક્સિડેન્ટમાં જીવ ગુમાવે છે. તો લગભગ 5 લાખથી વધુ લોકો નાનીમોટીથી લઈને કાયમી ખોડખાપણ ધરાવતી ઈજાના ભોગ બને છે. આ વળતરની રકમમાં મોટર માલિક માટે થર્ડ પાર્ટી પ્રીમિયમમાં વધારો પણ સામેલ છે. હાલ મોટર વેહિકલ્સ એક્ટ અંતર્ગત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને રુ. 50000 અને સ્થાયી ખોડખાપણ આવી જવાના કિસ્સામાં વ્યક્તિને રુ. 25000 આપવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા વળતરની રકમ નક્કી કરવા માટે મોટર વાહન એક્ટના શેડ્યુલ-2માં 2011-12થી 2015-16 સુધી કેટલી રકમ આપવામાં આવી તે અંગે વિચાર કર્યા બાદ આ નવો નિર્ણય કરવામાં આવ્યો છે. એક ઉચ્ચાધિકારીના જણાવ્યા અનુસાર મોટાભાગના કેસમાં કોર્ટ-કચેરીના મુકદમા ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ રકમ ઉપરાંત પણ કોઈને વધુ વળતર જોઈતું હોય તો તેમની પાસે કાયગાકીય રસ્તાઓ ખુલ્લા જ છે.