કર્ણાટક બાદ હવે મ.પ્ર.માં ડુપ્લીકેટ વોટર-ID કૌભાંડ

શિવપુરી તા,10
મધ્ય પ્રદેશમાં પણ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ચૂંટણી જીતવા માટે રાજકારણી તમામ પ્રકારના હથકંડા અપનાવી રહ્યાં છે. 8મેના રોજ કર્ણાટકમાં એક ફ્લેટમાં મોટાપાયે બનાવી વોટર કાર્ડ બનાવવાનો ખુલાસો થયો છે. તેના એક દિવસ બાદ મધ્ય પ્રદેશથી મોટા પ્રમાણમાં બનાવટી વોટર કાર્ડ બનાવવાનો મામલો સામે આવ્યો છે. શિવપુરમાં બનાવટી વોટર કાર્ડ બનાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. અહી લગભગ 60,000 બનાવટી મતદારો મળી આવ્યા છે, જેમાંથી લગભગ 21,000 તો એવા છે, જેમનું વર્ષો પહેલાં મોત નિપજ્યું છે.
તો બીજી તરફ ચૂંટણી અધિકારી આ મતદારોને સંદિગ્ધ ગણાવી રહ્યાં છે અને યાદી યોગ્ય કરવાની વાત કહેવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શિવપુરી જિલ્લામાં મતદારોની યાદી તપાસ દરમિયાન 59,517 બનાવી મતદારો મળી આવ્યા. તેમાં 20,886 મતદારો તો એવા હતા જે વર્ષો પહેલાં મૃત્યું પામ્યા છે પરંતુ તેમના નામ પણ યાદીમાં છે. આ યાદીમાં 28,067 મતદારો એવા છે જે બીજી જગ્યાએ જતા રહ્યા, પછી પણ યાદીમાં તેમના નામ છે.
જિલ્લામાં ન રહેતા મતદારોની સંખ્યા 5,633 અને એકથી વધુ સ્થળો પર મતદાતાઓના મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલારસ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન આ વાત સામે આવી હતી 5537 મૃત મતદારોના નામ મતદાર યાદીમાં મળી આવ્યા હતા.
ફરિયાદ બાદ ચૂંટણી કમિશને શિવપુરી જિલ્લાધિકારી તરૂણ રાઠીને આ મામલે બેદરકારીના દોષી ઠેરવ્યા છે. કમિશને તપાસમાં જાણ્યું કે જિલ્લાધિકારી તરૂણ રાઠીએ યાદીમાં ગરબડીને યોગ્ય રીતે મોનિટરિંગ કરી નથી. ત્યારબાદ ચૂંટણી કમિશનના મુખ્ય સચિવ બસંત પ્રતાપ સિંહને પત્ર પણ લખવામાં આવ્યો હતો.
ઉપ જિલ્લા ચૂંટણી અધિકારી સંજીવ જૈને સંવાદદાતાઓને જણાવ્યું કે આ વાત સાચી છે કે જિલ્લામાં 59 હજારથી વધુ મતદારો શંકાસ્પદ મળ્યા છે. તેમા6 20886 વોટરો મૃત મળ્યા છે. યાદી સુધારણા દરમિયાન એવા નામ દૂર કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી 34 હજારથી વધુ નામ દૂર કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લાની પાંચ વિધાનસભા સીટોમાં 59,517 મતદારો ડુપ્લીકેટ મળ્યા બાદ અત્યાર સુધી 24992 મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.