મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફલેટ ભાડે આપવાનું મોટા પાયે કૌભાંડ

રાજકોટ તા.10
રાજય સરકાર દ્વાર ઘર વિહોણા પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સાર્થક કરવા માટે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત હાઉસીંગ બોર્ડ, સ્થાનિક અર્બન ડેવલોપમેન્ટ બોર્ડ, મહાપાલિકા અને નગરપાલિકા દ્વારા યોજના હેઠળ લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવે છે. જેમાં લાભાર્થી દ્વારા શરતોનું ઉલ્લઘંન કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
શહેરનાં કાલાવાડ રોડ પર રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારા ફલેટની યોજના અમલમાં મુકવામાં આવી હતી અને ડ્રો સીસ્ટમથી લાગેલા લાભાર્થીઓને તૈયાર થયા બાદ ફલેટની ફાળવણી દરમિયાન શરતોનું પાલન કરવાનુ લાભાર્થીઓને હોય છે. રૂડાના વિર સાવરકરનગરના ફલેટ ધારકો દ્વારા શરતોનું ઉલ્લંઘન કરી મોટાભાગના ફલેટ ધારકો દ્વારા ફલેટ ભાડે આપ્યાનુ ત્યાંના રહેવાસીઓને ધ્યાને આવતા એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજાએ આ મામલે રૂડાના સત્તાધીશોને લેખિત રજૂઆત કરી છે. જો આ અંગે કોઈ પગલા નહી લેવાય તો આગામી દિવસોમાં રહેવાસી દ્વારા સરકારમાં રજુઆત કરવામાંં આવશે તેમ અંતમાં ભુપતસિંહ જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.