જૂનાગઢવાસીઓ પાણીની સાથે બીમારી પીએ છે! ખાવામાં ઝેર !

મેવાડના રાણાએ મીરાને ઝેરના પ્યાલા મોકલ્યા હોવાનું અને કૃષ્ણ દિવાની મીરા એમના પ્રભુજીનાં ભરોસે પી ગયા હોવાનું આપણો ઈતિહાસ કહે છે. હવે એવું જાણવા મળે છે કે, જૂનાગઢનું પાણી પીવા માટે અતિ ખતરનાક બન્યું છે.
અહી એવી ટકોર થઈ રહી છે કે, મીરાબાઈને ઝેરના કટોરા ‘રાણોજી’એ મોકલ્યા હતા અને તે કૃષ્ણને બચપણથી જ વરી ચૂકયા હતા અને કૃષ્ણ પ્રત્યેની તેમની આ લગની રાણાજી સાથે વર્યા પછી પણ અકબંધ રહી હતી તે કારણે તેમની કૃષ્ણ ભકિતની કસોટી માટે ઝેરની પ્યાલીઓ મોકલી હતી!
અહી એવો પ્રશ્ર્ન જાગે છે કે, જૂનાગઢની પ્રજાને બિમારીઓ સર્જે એવું પાણી કોણે મોકલ્યું અને કયા કારણથી મોકલ્યું?
જૂનાગઢમાં હાહાકાર સર્જતો આ અંગેનો અહેવાલ દર્શાવે છે કે જૂનાગઢના લોકો 600થી વધુ અને 1100 ટીડીએસનું પ્રમાણ ધરાવતુ પાણી પીતા હોવાનો ચોંકાવનારી બાબત સામે આવે છે અને વધુ પડતા ક્ષારવાળા પાણી પીવાથી શહેરમાં પથરી, લીવર, કીડની પેટના રોગોનું પ્રમાણ વધ્યું હોવાનું મનાય રહ્યું છે.
જુનાગઢની ભૌગોલિક પરિસ્થિતિ જોતા પેટાળ પથ્થરોવાળો છે જેના કારણે જૂનાગઢનું પાણી કડક હોવાનું મનાઈ રહ્યું છે તો બીજી બાજુ શહેરના જોશીપુરા, દોલતપરા, સાબલપુર, બીલખા રોડ સહિતના વિસ્તારોમાં બોટ અને કુવાનું પાણી ક્ષાર યુકત આવે છે અમુક કલાકો આ પાણીને વાસણમાં રાખવામાં આવે તો ઉપર ક્ષારની પડદી થઇ જાય એટલો ક્ષાર જૂનાગઢના બોર કુવાવાળા પાણીમાં આવે છે.
તાજેતરમાં જૂનાગઢમાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત પાણી પુરવઠા બોર્ડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સુજલ રથ દ્વારા પાણીના પૃથ્થકરણ માટે 26 જેટલા નુમનાઓ લેવામાં આવ્યા હતા. આ લેબોરેટરી વાનમાં પાણીમાં રહેલ પીએચ, ટીડીએસ અને ટર્બીડીટીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં સૌને ચોંકના કરી દે તે રીતે પાણીમાં 1100 જેટલું ટીડીએસનું પ્રમાણ નોંધવામાં આવ્યું હતું. સામાન્ય રીતે 600 ટીડીએસ ધરાવતું પાણી પીવા માટે વાંધાજનક હોતુ નથી પરંતુ 1100 જેટલું ટીડીએસ આવતા સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે અને આવા પાણીને યાંત્રિક રીતે ટીડીએસ ઘટાડીને પીવું યોગ્ય ન બનાવવું જોઇએ પરંતુ શહેરના 50 ટકા ઉપરાંત ઘરોમાં આર.ઓ.કે. ફીલ્ટર પ્લાન ન હોવાથી શહેરની મહીલાઓ બે ગળણે ગાળીને આ પાણીનો ઉપયોગ કરી રહી છે જે જૂનાગઢના નગરજનો માટે ચીંતાનો વિષય બની શકે તેમ છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. વધુ પડતા ટીડીએસ વાળા પાણી પીવાથી લોકોને પથરી, લીવર, કીડની જેવા રોગોની સાથે પેટની બીમારીઓ થવાની શકયતાઓ વધવાની સંભાવના પણ રહે છે.
મનપા દ્વારા અડધા જૂનાગઢને હજુ પાઈપ લાઈન મારફત પાણી વિતરણ થાય એવી સુવિધા ઉભી કરવામાં આવી નથી અને જે ગામો મનપામાં ભળ્યા છે તે વિસ્તારોમાં પાણી કયારે અપાશે તે યક્ષ પ્રશ્ર્ન છે ત્યારે અડધુ જૂનાગઢ સોસાયટીના બોર કે કુવાઓનું પાણી ગ્રહણ કરે છે અને એ પાણી 1100 ટીડીએસનું સરેરાશ પ્રમાણ ધરાવતું હોવાથી જૂનાગઢવાસીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
આ બાબત આટલે જ અટકતી નથી જૂનાગઢ જિલ્લાનાં બોડી ગામે ભાગવત સપ્તાહના મહાપ્રસાદ સમા ભોજનમાં ખોરાકી ઝેર (ફૂડ પોઈઝનીંગ)ની અસર થતા દોડધામ મચી હતી. 200 જેટલા લોકોએ હોંશે હોંશે ભોજન લીધું ત્યારે સૌએ કિલ્લોલ કર્યો હતો. પરંતુ ખોરાકી ઝેરની અસર બાદ કેટલાકના તો જીવ અધ્ધર ચઢી ગયા હતા અને મારતે ઘોડે અસરગ્રસ્તોને નજીકના અન્ય ગામના દવાખાને ખસેડવા પડયા હતા.
આ ઘટના બાદ જૂનાગઢના ડેપ્યુટી ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફીસર સી.એલ. વ્યાસના જણાવ્યા પ્રમાણે બોડી ગામે થયેલ ફુડ પોઇઝીંગના બનાવ બાદ મેંદરડા ખાતે મેંદરડાના સ્થાનીક ડોકટર સહિત 5 અન્ય ડોકટર અને 12 પેરામેડીકલ સ્ટાફને તાત્કાલીક અસરથી સારવાર માટે જોતરવામાં આવ્યા હતા અને પાઇન્ટ તથા જરૂરી ઇન્જેકશનનો, દવાઓનો પુરતા પ્રમાણમાં સ્ટોક મેન્ટેન કરી દેવામાં આવ્યો હતો. આવા ધાર્મીક કે માંગલીક પ્રસંગે ખોરાકમાં દૂધ કે દૂધની બનાવટની વાનગી રાખવી ન જોઇએ અને જો રાખવી હોય તો તેનું ટેસ્પરેચર મેન્ટેન કરવું જોઇએ અને તેને ઢાંકીને સુરક્ષીત રાખવું. દૂધની આઇટમનું ટેમ્પરેચર મેન્ટેન ન થાય તો બેકટેરીયા થવાની સંભાવના રહેલ છે. અને તેના કારણે ફુડ પોઇઝનીંગના બનાવો પણ બની શકે છે.
જૂનાગઢ જીલ્લામાં છેલ્લા 10 દિવસમાં ફુડ પોઇઝીંગનો 4થો બનાવ બનવા પામ્યો છે. આ અગાઉ કેશોદના ખીરસરા ગામે, બાદમાં વિસાવદર, ભેસાંણ અને મેંદરડા બોડ ગામે પોઇઝનીંગના બનાવ બન્યો હતો.
આ બધુ જોતા એમ લાગે છે કે, ભાગવત સપ્તાહ જેવા મોક્ષદાતા અવસરે બનેલી આ ઘટનાને અને જૂનાગઢમાં બિમારી સર્જતા પાણીની અધોગતિને ગંભીર ગણીને તેને દૂર કરવાના પગલા યુધ્ધના ધોરણે સત્તાધીશોએ લેવા જોઈએ અને જૂનાગઢની પ્રજાને તથા જિલ્લાનાં ગ્રામ્યજનોને સાવધાન કરવી જોઈએ. સ્કુલે જતા બાળકોને રક્ષવાની વ્યવસ્થાઓ પણ કરવી જ પડે. આ પરિસ્થિતિનો વ્યાપ ન વધે અને તે ફેલાય તે માટે પૂર્વ સાવચેતીનાં પગલા પણ લેવા ઘટે!