સ્માર્ટ સિટી પ્રોજેકટ ક્ધસલ્ટન્ટ માટે તા.17મીએ પ્રેઝન્ટેશન

રાજકોટ, તા. 10
કેન્દ્ર સરકારનો સ્માર્ટસીટી પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકાનો સમાવેશ થયા બાદ 2700 કરોડના પ્રોજેકટ માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક માટે મનપાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ. બે-બે વખત ટેન્ડર રદ થયા બાદ ફરી એક વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા પાંચ એજન્સીઓએ ટેન્ડર ભરતા મનપાને હાંશકારો થયો છે અને આ ટેન્ડરનું પ્રેઝન્ટેશન આગામી તા.17ના રોજ રાખવામાં આવ્યુ હોવાનું મ્યુ.કમિશ્ર્નરે જણાવ્યું છે.
સ્માર્ટ સીટીના કલ્સલ્ટન્ટની નિમણુંક માટે અગાઉ બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ પરંતુ સ્માર્ટ સીટીના કામમાં કોઈ એજન્સીને રસ ન હોવાનું તારણ નિકળ્યુ હતુ અને બંન્ને વખત ટેન્ડર રદ થાય તે પ્રકારના ટેન્ડર ભરાતા ના છુટકે કોર્પોરેશને અંતિમ પ્રયાસ હાથ ધરી ત્રીજી વખત ટેન્ડર માટેની અપીલ કરી હતી. જે પરિણામે રાજકોટને બાકાત કરતા અન્ય રાજયોમાંથી સ્માર્ટ સીટીના કલ્સન્ટન્ટ માટે ઉત્સાહ દાખવી ટેન્ડર ભરવામાં આવ્યા છે અને કોર્પોરેશનનો માર્ગ મોકળો થયો છે ત્યારે હવે ઝડપથી સ્માર્ટ સીટીની કામગીરી શરૂ કરવા માટે આગામી તા.17ના રોજ પ્રેઝન્ટેશન રાખવાની જાહેરાત કમિશ્ર્નરે કરી છે. તા.17ના પ્રેઝન્ટેશન થયા બાદ સ્માર્ટ સીટીના કલ્સન્ટન્ટની નિમણુંક થશે તેમ કમિશ્ર્નરે જણાવ્યુ હતું.