સુચિત સોસાયટીની કામગીરી થશે ઓનલાઇન ખાસ સોફટવેર બનાવાયો

  • સુચિત સોસાયટીની કામગીરી થશે ઓનલાઇન ખાસ સોફટવેર બનાવાયો
    સુચિત સોસાયટીની કામગીરી થશે ઓનલાઇન ખાસ સોફટવેર બનાવાયો

રાજકોટ તા,10
રાજકોટ સહિત આઠ મહાનગરપાલિકાની સુચિત સોસાયટીને રેગ્યુલરરાઈઝ કરવા માટે રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડી દીધુ છે અને સુચિત સોસાયટીના આસામીઓ પાસેથી ફોર્મ અને આધાર પુરાવા લેવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. તેમાં હવે રાજ્ય સરકાર આ કામગીરી ઓનાલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે ખાસ એસઆરએસ નામનો સોફટવેર તૈયાર કરવામાં આવ્યો છે.
રાજ્યના સેટલેમેન્ટ કમિશ્નર દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પેશિયલ સોફટવેરમાં અત્યાર સુધી સુચિત સોસાયટીની કેટલી અરજી આવી અને કેટલી અરજી મંજુર કરવામાં આવી તેમજ સુચિત સોસાયટીનો પ્રકાર, હેતુ સહિતની વિગતો દર્શાવવામાં આવનાર છે.
આ માટે રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર દ્વારા ગઈકાલે રાજકોટ સહિત આઠેય મહાનગરપાલિકા વિસ્તારના નાયબ મામલતદારોને સોફટવેરની તાલીમ અંગે ગાંધીનગર તેડાવવામાં આવ્યા હતા. એટલુ જ નહીં તૈયાર કરવામાં આવેલા સોફટવેરમાં કોઈ નવા સુચન કે માર્ગદર્શન હોય તે માટેની માહિતી માગવામાં આવી હતી.
એસઆરએસ નામના બનાવેલા નવા સોફટવેરમાં હવે પછી કોઈપણ સુચિત સોસાયટીના મકાનધારક અરજી કરશે તે ફરજિયાત ઓનલાઈન દર્શાવવી પડશે. જે તે મામલતદાર કચેરીના મહેસુલી સેટલમેન્ટ અધિકારી દ્વારા આ કામગીરી કરવાની રહેશે. પ્રાથમિક તબકકે સેટલમેન્ટ કમિશનર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી અને ટૂંક સમયમાં આ પ્રોજેકટ ઓનલાઈન કરવામાં આવનાર હોવાનું નાયબ મામલતદારોને જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 139 સુચિત સોસાયટીને કાયદેસર કરવાની દરખાસ્તને રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છેે. અત્યાર સુધી રાજકોટમાં કુલ 11961 આસામીઓએ મકાન કાયદેસર કરવા માટેના ફોર્મ ભર્યા છે તેમાંથી 1924 અરજી આધાર પુરાવા સાથે રજુ કરવામાં આવી છે. આ પૈકી 1267 કેસની સુનવણી પુરી કરી દેવામાં આવી છે.
રાજકોટ ચારેય મામલતદાર કચેરીમાંથી કુલ 966 અરજીઓ મંજુર કરવામાં આવી છે. તેમાં પૂર્વ મામલતદાર કચેરી વિસ્તારમાં 584માંથી 175, પશ્ર્ચિમ મામલતદાર કચેરીમાં 221 અરજીમાંથી 93, દક્ષિણ મામલતદાર કચેરીમાં 1085માંથી 698 અરજી મંજુર કરવામાં આવી છે. જ્યારે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં 34 અરજીમાં એક પણ અરજીને મંજુર કરવામાં આવી નથી કારણ કે તાલુકા મામલતદાર વિસ્તાર હેઠળની સુચિત સોસાયટીમાં માપણી કરવાની બાકી હોવાથી એક પણ અરજીને મંજુરી આપવામાં આવી ન હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.