લવ, જેહાદ સામે પાટીદાર સુરક્ષા સેના

અમદાવાદ તા.11
હાર્દિક પટેલ હાલ પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો સાથે મધ્ય પ્રદેશના પ્રવાસે છે ત્યારે પાસ દ્વારા રાજ્યમાં પોતાની જાતિ અને સમાજ માટે એક્ટિવિઝમનો નવો રસ્તો શોધી લેવામાં આવ્યો છે. પાસના સભ્ય અને બોટાદ પાસ કમિટીના ક્ધવીનર દિલિપ સાબવાની આગેવાનીમાં પાટીદાર સુરક્ષા સેના(પાસ )ની રચના કરવામાં આવી છે. જે રાજ્યમાં દરેક પાટીદાર ક્ધયા પાટીદાર સમાજમાં જ લગ્ન કરે અને અન્ય સમાજ કે ધર્મમાં લગ્ન ન કરે તે અંગે ધ્યાન રાખશે.
લવ જેહાદ સામે કેમ્પેઇન કરતા અન્ય રાઇટવિંગ ગ્રુપ બજરંગ દળ જેવી ભાષા બોલતા પાસના સભ્ય સાબ્વા કહ્યું કે અમારા કાર્યકર્તાઓ તપાસ કરશે કે શું કોઈ પાટીદાર ક્ધયાને બીજી જ્ઞાતી કે ધર્મનો છોકરો ભોળવી રહ્યો છે અને જો જરૂર જણાશે તો આવા સંબંધનો વિરોધ કરવા અમે જે તે છોકરા વિરુદ્ધ પગલાં ભરીશું.
સાબ્વાએ કહ્યું કે, આ બાબતે અમે પોલીસથી અલગ રીતે કામ કરીશું કેમ કે આ અમારા સમાજની વાત છે અને તેને પોલીસ પાસે લઈ જવાની અમને જરુર જણાતી નથી. આ નિર્ણય સોમવારે બોટાદ ખાતે મળેલ પાસ ની ચિંતન શીબિરમાં લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
એક વયસ્ક ગર્લને તેની ઇચ્છા મુજબ અન્ય સમાજના છોકરા સાથે લગ્ન ન કરવા દેવા બાબતે સાબ્વા કહે છે કે, એવા ઘણા બનાવ છે કે જેમાં અન્ય સમાજ કે ધર્મનો છોકરો અમારા સમાજની છોકરીને ભોળવી જાય છે અને પછી તેનું જીવન નર્ક બની જાય છે ત્યારે અમારી જવાબદારી છે કે અમારા સમાજના હિતોનું રક્ષણ કરીએ.
આ સાથે જ સાબ્વાએ કહ્યું કે, અમારા કાર્યકર્તાઓ પાટીદાર સમાજના યુવાનોને પણ મદદરુપ થશે. જો કોઈ પાટીદાર યુવાનને અન્ય સમાજ કે જ્ઞાતિના યુવકો પરેશાન કરતા હશે તો અમારા કાર્યકર્તાઓ યુવાનની મદદ કરશે.
જોકે જ્યારે પુછવામાં આવ્યું કે આ નિર્ણયને પાસના કન્વિનર હાર્દિક પટેલે મંજૂરી આપી છે ત્યારે સાબ્વાએ કહ્યું કે, હાલ તો હાર્દિક મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેથી તેને પુછવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. હાર્દિક જેલમાં હતો ત્યારે પણ અમે અમારી લડત ચાલુ જ રાખી હતી. અમે પાસમાં છીએ અને પાસના સભ્ય તરીકે અમારી મુવમેન્ટને આગળ ચલાવીશું.
જ્યારે પાસના અન્ય એક આગેવાને કહ્યું કે, સાબ્વા પાસના એવા લોકોની આગેવાની કરી રહ્યા છે જેઓ સંગઠન ચલાવવાની હાર્દિકની સ્ટાઇલથી સહમત નથી. હવે તેણે એક નવી જ બોડીની રચના કરી છે. જોકે પાટીદારો તેમના સમાજની યુવતીઓ અંગે સંવેદનશીલ હોય સાબ્વાના આ પગલાને જરુર સમાજનું સમર્થન મળશે.
પાસના જ એક ફાટાની આગેવાની કરતા દિલપ સાબ્વાએ જણાવ્યું કે હવે પાસની કોઈપણ પબ્લિક મીટિંગમાં નેતા જેવું કશું નહીં હોય. દરેક વ્યક્તિ સમાન છે તેથી આવી મીટિંગમાં આગેવાનો માટે કોઈ અલગ સ્ટેજ નહીં રાખવામાં આવે. સાબ્વાએ કહ્યું કે, અમે અમારા આંદોલનને એક વ્યક્તિ કેન્દ્રીત નથી બનાવવા માગતા જેથી કરીને મીટિંગ વખતે સ્ટેજ ગોઠવવા ખર્ચવા પડતા હજારો રુપિયાના ખર્ચને અમે રોકવા માગીએ છીએ.
જ્યારે પાસના આ નવા ગ્રુપનું કહેવું છે કે તેઓ અનામતનો મુદ્દો ફક્ત સરકાર સામે જ ઉઠાવશે પછી તે ભલે ગમે તેની હોય. હાર્દિકની જેમ દરેક સ્તરે ભાજપ સરકારનો વિરોધ કરવા માટે આંદોલનનો ઉપયોગ નહીં થાય.