ઊંઝામાં નકલી જીરાંનું કારખાનું ઝડપાયું !

ઊંઝા, તા.11
મહેસાણાનું ઊંઝા એટલે સ્પાઈસ સિટી. અહીં ઉત્પાદન થતું જીરું સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે. તેને જ કારણે ઊંઝાનું સમગ્ર વિશ્વમાં નામ છે. પરંતુ, આ નામને કેટલાક નકલી જીરું બનાવીને બદનામ કરી રહ્યા છે. ઉનાવા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઉના નજીકથી વરીયાળીમાંથી નકલી જીરું બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
મહેસાણાનું ઊંઝાનું જીરું સમગ્ર દુનિયાના દરેક ઘરોમાં જીરૂની અનોખી સોડમ પ્રસરાવે છે. આ સોડમને કેટલાક તત્વો બગાડી રહ્યા છે. ઊંઝાના ઉનાવાથી ઐઠોર રોડ પર સિદ્ધિ વિનાયક એસ્ટેટમાંથી નકલી જીરું બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઉનાવા પોલીસને મળેલી બાતમીને આધારે રેડ કરતા સ્થળ પર અખાદ્ય જીરું મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ સ્થળ પર પહોચી તપાસ કરી નમુના લીધા હતા. તપાસ દરમ્યાન સ્થળ પરથી ઝીણી વરીયાળી, બ્રાઉન પાવડર અને ગોળની રસીના બેરલ મળી આવ્યા હતા. આ પાવડરથી વરીયાળીને જીરૂનો રંગ આપેલ મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. સ્થળ પરથી લગભગ 250 થી 300 મણ નકલી જીરૂનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. ઉનાવા પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી હતી. જો કે, આ ગોડાઉનનો મૂળ માલિક ફરાર થઇ ગયો હતો. અત્યારે જીરું વરિયાળીની સીઝન શરુ થઇ છે. આ સીઝન દરમિયાન જીરૂનો ભાવ જ્યારે જ્યારે ઉંચો હોય છે. ત્યારે ત્યારે સસ્તી વરીયાળીને જીરૂનો રંગ લગાવીને અસલી જીરુમાં ભેળસેળ કરવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ઉનાવા નજીક ઝડપાયેલ આ કૌભાંડની તપાસમાં રૂ.1200ના ભાવની વરીયાળી પર બ્રાઉન પાવડર અને ગોળની રસી લગાવીને જીરું જેવો કલર કરી દેવાતો હતો. અને હાલમાં રૂ.3000 થી 3500ના ભાવના જીરુમાં ભેળસેળ કરવામાં આવતી હતી. જેથી જીરુમાં વધુ નફો મેળવી શકાય. ઊંઝા નજીક નકલી જીરું બનાવવાનો એકાદ સપ્તાહમાં જ આ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ નકલી જીરું બનાવનારા સામે કાર્યવાહી તો થઇ રહી છે. પરંતુ, તંત્ર પણ આટલેથી જ સંતોષ માનતું હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે જે તંત્ર એમ કહે છે કે, આ નકલી જીરું અસલી જીરુમાં ભેળવવામાં આવતું હોય છે. તો ઊંઝાના એવા કયા વેપારીઓ છે કે, જે આ નકલી જીરુંનો અસલી જીરુમાં ભેળસેળ કરવામાં ઉપયોગ કરતા હતા તેની પણ તપાસ થાય તે જરૂરી છે.