લોન મોંઘી: બેન્કોએ વ્યાજદર વધાર્યા

નવી દિલ્હી તા,11
ભારતીય રિઝર્વ બેંકે પોતાની મોનીટરી પોલિસીમાં પોલિસી રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. પરંતુ તેમ છતાં બેંક અને નાણાકીય સંસ્થાઓ સતત પોતાની લોનની વ્યાજદરમાં વધારો કરી રહી છે. શરૂઆત ખાનગી ક્ષેત્રની બેંકો એક્સિસ બેંક, યસ બેંક, કોટક મહિંદ્રા બેંકે કરી હતી. ત્યારબાદ તેમાં સરકારી બેંકો પણ સામેલ થઇ ગઇ. એસબીઆઇ પણ પોતાના વ્યાજદર વધારી ચૂકી છે. ત્યારબાદ હવે બેંક ઓફ બરોડા અને એચડીએફસીએ પણ વ્યાજદરોમાં વધારો કર્યો છે.
હોમ લોન આપનાર કંપની એચડીએફસીએ વ્યાજદરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. તાજેતરમાં જ મોટાભાગની બેંકો અને નાણાકીય સંસ્થાઓએ પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેંકે જણાવ્યું કે લોનના નવા દર 1 એપ્રિલથી લાગૂ થઇ જશે. કંપનીએ નાની લોન પર સૌથી ઓછા વ્યાજ દર વધાર્યા છે. જે લોન 30 લાખ રૂપિયા સુધી છે અને મહિલાઓના નામે છે તેમના વ્યાજ સૌથી ઓછા વધારવામાં આવ્યા છે. અત્યારે આ પ્રકારની લોન પર વ્યાજના દર 8.40 ટકા હતા, જ્યારે તેને વધારીને 8.45 ટકા કરવામાં આવી છે.
30 લાખ રૂપિયાથી માંડીને 75 લાખ રૂપિયા સુધીની લોન પર મહિલાઓ માટે વ્યાજદર 8.55 ટકા અને અન્ય માટે 8.60 ટકા હશે. તો બીજી તરફ 75 લાખ રૂપિયાથી વધુની લોન પર મહિલાઓ માટે વ્યાજદર 8.65 ટકા અને અન્ય માટે 8.70 ટકા રહેશે. તો બેંક ઓફ બરોડામાં હોમ લોન્સથી લઈને ઓટો અને બિઝનેસ લોન મોંઘી કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાનો માર્ઝીનલ કોસ્ટ લેડિંગ રેટ 7.90થી 8.40ની વચ્ચે રહેશે.