હવે અંતરિક્ષમાં માણી શકશો રજાઓ! અમેરિકન કંપનીએ હોટલ બનવાનું શરૂ કર્યુ

ટેક્સાસ, તા.9
દેશ-વિદેશમાં ફરવાનું તમને સામાન્ય લાગે છે તો ભવિષ્ય તમારા માટે કંઈક નવું લઈને આવી રહ્યું છે. હકીકતમાં 2022 સુધી સ્પેસમાં એવી લક્ઝરી હોટલ બનાવવાનો દાવો કરાઈ રહ્યો છે જેમાં કોઈપણ જઈને રહી શકશે. જોકે આ માટે તમારે અત્યારથી તૈયારીઓ શરૂ કરવી પડશે. કારણ કે યાત્રા કરાવતી કંપની આ માટે કરોડો રૂપિયા વસૂલશે.
અમેરિકાના ટેક્સાસ રાજ્યની કંપની ‘ઓરિયન સ્પાન’ આ માટેની તૈયારીમાં લાગી છે. આ સ્ટાર્ટઅપે જાહેરાત કરી છે કે તે સ્પેસની પહેલી લક્ઝરી હોટલ બનાવવા જઈ રહ્યા છે જે 2021માં લોન્ચ થશે અને 2022 સુધીમાં સામાન્ય લોકો માટે ખુલી જશે. જાણકારી મુજબ, હોટલમાં બે ક્રૂ મેમ્બર અને ચાર યાત્રીઓના રહેવા માટે જગ્યા હશે. સમગ્ર યાત્રા કુલ 12 દિવસની જણાવાઈ રહી છે. કંપનીએ વેબસાઈટ પર બુકિંગ પર શરૂ કરી દીધું છે.
ઓરિયન સ્પાનની વેબસાઈટ મુજબ, સમગ્ર યાત્રા પર 9.5 મિલિયન ડોલર (લગભગ 61 કરોડ રૂપિયા) ખર્ચ થશે. એટલે કે એક રાત માટે પાંચ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ આવશે. તેમાં લગભગ 51 લાખ રૂપિયા જમા કરીને રાખવામાં આવશે. આ યાત્રા પુરી થવા પર તે રૂપિયા પાછા આપવામાં આવશે. તેને એડવાન્સ બુકિંગની રકમ પણ સમજી શકાય છે. જો યાત્રા કોઈ કારણોસર કેન્સલ કરવી પડે તો આ પૈસા પાછા મળી જશે.
ઓરિયન સ્પાને હોટલને અયૂરોરા સ્ટેશન નામ આપ્યું છે. તેને મોટા પ્રાઈવેટ જેટના કેબિન જેટલી મોટી રાખવામાં આવી છે. પાછલા વર્ષે રશિયાએ પણ આવો પ્લાન બનાવ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર લક્ઝરી હોટલ બનાવવાની વાત કહી હતી. જોકે હાલમાં આ યોજના વિશે કોઈ જાણકારી નથી. ઓરિયન સ્પેને પણ સ્પષ્ટ નથી કર્યું કે હોટલમાં યાત્રીઓને કેવા પ્રકારની સુવિધાઓ મળશે.