વરસાદ પડતા ચોટીલા થાનગઢ મૂળીનાં 20 જેટલા ગામો સંપર્ક વિહોણા બની જાય છે!

  • વરસાદ પડતા ચોટીલા થાનગઢ મૂળીનાં 20 જેટલા ગામો સંપર્ક વિહોણા બની જાય છે!
    વરસાદ પડતા ચોટીલા થાનગઢ મૂળીનાં 20 જેટલા ગામો સંપર્ક વિહોણા બની જાય છે!

ચોટીલા તા.4
ચોટીલા થાનગઢ મૂળી તાલુકાનાં 20 જેટલા ગામો કાયમ માટે ચોમાસામાં વિખુટા પડવાની હાલતમાં મુકાઇ જાય છે તેનું કારણ ગામનાં પ્રવેશના રસ્તા ઉપર આવેલ બેઠા કોઝવે છે આવા સ્થળોએ બોક્સ વાળા નાળા બનાવવા માંગ ઉઠી છે.
ઝાલાવાડનાં પંચાળ પ્રદેશના રોડ રસ્તાનો વિકાસ આજે પણ અન્ય વિસ્તારો કરતા ઉતરતો રહ્યો છે ચાંદ ઉપર પહોચાય છે પણ વરસાદમાં અનેક ગામોમાં પોહચવુ દુષ્કર બની જાય છે તે વાસ્તવિકતા છે તંત્ર વાહકો ની ઉણપ ગણો કે અણ આવડત પણ જેટ યુગમાં આજે પણ ચોટીલા થાનગઢ મૂળી તાલુકાનાં અંદાજે 20 જેટલા ગામો વરસાદમાં સંપર્ક વિહોણા જેવી સ્થિતિમાં મુકાઇ જાય છે.
ત્રણેય તાલુકામાં આમતો રાજકિય ટેકેદારોને સાચવવા માટે અનેક ગ્રાન્ટ કોઝવે નાં કામો પાછળ વપરાય છે જો સરકાર દ્વારા આકડાકિય માયાઝાળ ખોલવામાં આવેતો અનેક ધારાસભ્યો અને સાંસદોએ અત્યાર સુધીમાં ગામડાઓમાં ફાળવેલ કોઝવે ની રકમમાંથી આ વિસ્તારમાં વિદેશ જેવા રોડ રસ્તા બની ગયા હોત તેવો કટાક્ષ વ્યંગમાં લોકો કરે છે આવી કોઝવે ની પ્રથાનો ભોગ સામાન્ય નાગરીકો દર ચોમાસે બને છે અને કાયમી સમસ્યાનાં નિરાકરણનાં ઠાલી વાતો કરાય છે ચોમાસુ જતુ રહે છે અને પાછુ રાબેતા મુજબ જનજીવન ધબકતુ થાય છે
ચોમાસે એજ તુટેલા ફૂટેલા પોપડા ઉખડી ગયેલ કોઝવે ઉપરથી જતા પાણીનાં પ્રવાહ ને કારણે આવા અનેક ગામનાં લોકો જીવના જોખમે રસ્તો ઓળગતા હોય છે તો અનેક લોકો પાણી ઉતરે નહી ત્યાં સુધી ગામમાં જઈ શકતા નથી અને ચોમાસામાં કાયમી સંપર્ક વિહોણાની હાલતમાં આવા ગામો કાયમી મુકાઇ જતા હોય છે
બાબા આદમનાં જમાનાની નિતી તંત્રમાં અખત્યાર હોય તેમ જીલ્લાનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાયમી સમસ્યા હોવા છતા આવા ગામો પ્રત્યે કોઇ કારણોસર દુર્લક્ષતા દાખવવામાં આવતી હોય તેવુ લોકોનું માનવું છે
અનેક ગામોને જોડતા રસ્તા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી વોકળા અને નદીનાં પસાર થતા પાણીનાં પ્રવાહ ઉપર બેઠા કોઝવે આવેલ છે જ્યારે વરસાદી વહેણો વહેતા થાય ત્યારે પાણીનાં મારને કારણે નબળી કામગીરી સાથે બનેલા આવા કોઝવે નાં ધોવાણ થાય છે અને ફરી પાછા એજ ગોઠવાયેલ સિસ્ટમ થી બને છે સરકારનાં લાખો રૂપિયા ધૂળધાણી થાય છે અને પ્રજાની હાડમારીનો ઉકેલ આવતો નથી આવા કોઝવે ને ચોટીલાનાં ખેરાણા, પીપળીયા (ધા), મહિદડ, નવાગામ, જાનીવડલા, સેખલીયા, ભેટસુડા, પીપળીયા (ઢો), તાજપર તેમજ થાનગઢ તાલુકાનાં રૂપાવટી, દેવળીયા, ગુગલીયાણા, મોરથળા મનડાસર, તેમજ થાન થી વાકાનેર તરફનાં અનેક ગામો છે મૂળી પંથકનાં ઉમરડા, ધર્મેન્દ્રગઢ, ગઢાદ, વડધ્રા, રાયસંગપર, હેમતપર જેવા અનેક ગામો આવી સંપર્ક વિહોણા થવાની સમસ્યાનો સામનો ઘણા વર્ષોથી કરે છે જેને કારણે બાળકોનાં અભ્યાસને અને જન જીવનને ચોમાસે મોટી અસર પડે છે.
ચોમાસામાં આવી સમસ્યાઓનો સામનો કરનાર ગ્રામ્ય લોકો આવા બેઠા કોઝવે દુર કરી કાયમી ઉકેલ લાવવા માટે બોક્સ વાળા નાળા બનાવવાની માંગ કરે છે આ યાતના ભોગવનાર અનેક ગામોનાં રહીશો આ અંગે રજુઆતો અને માગણીઓ પણ તંત્ર સમક્ષ અનેક વખત કરતા હોય છે ચોમાસામાં ઘણી વખત તંત્રને દોડવુ પણ પડે છે ત્યારે ઘણી વાતો થાય છે પરંતુ ચોમાસા પછી બધુ રાબેતા મુજબ ચાલતુ રહે છે. છતા આગેવાનો તેમનાં વિસ્તારનાં લોકોને વ્હારે આવી કોઝવે ની તકલીફનો ઉકેલ લાવશે તેવી આશા અહીંનાં લોકોમાં રહેલી છે.