વર્લ્ડકપ 2019 INDvsAFG: શમીની હેટ્રિક, રોમાંચક મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું

  • વર્લ્ડકપ 2019 INDvsAFG: શમીની હેટ્રિક, રોમાંચક મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું
    વર્લ્ડકપ 2019 INDvsAFG: શમીની હેટ્રિક, રોમાંચક મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું

સાઉથમ્પ્ટનઃ મોહમ્મદ શમીની અંતિમ ઓવરમાં હેટ્રિકની મદદથી ભારતે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 11 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ચોથો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 224 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 49.5 ઓવરમાં 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 1 મેડન સાથે 40 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ જીતની સાથે ભારતના 9 પોઈન્ટ થઈ ગયા છે. ભારત પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. તો અફઘાનિસ્તાને આ વિશ્વકપમાં સતત છઠ્ઠી મેચ ગુમાવી છે.  આ રીતે શમીએ પૂરી કરી હેટ્રિક 49.3 ઓવર પર નબીને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવ્યો 49.4 આફતાબ આલમ ક્લિન બોલ્ડ 49.5 મુઝીબ ઉર રહમાનને બોલ્ડ કર્યો  અફઘાનિસ્તાનની ખરાબ શરૂઆત
ભારતે આપેલા 225 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમે 20 રનના સ્કોર પર હઝરતુલ્લાહ ઝઝઈ (10)ની વિકેટ ગુમાવી હતી. શમીએ તેને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ રહમત શાહ અને ગુલબદીને ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડ્યો હતો. કેપ્ટન ગુલબદીન નાઇબ (27) રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. તેણે 42 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા.  બુમરાહે એક ઓવરમાં અપાવી બે સફળતા 
ત્યારબાદ રહમત શાહ અને હસ્મતુલ્લાહ શાહિદીએ ઈનિંગને સંભાળતા ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. બંન્ને બેટ્સમેનો સેટ થઈ ગયા હતા. ત્યારે કેપ્ટન કોહલીએ જસપ્રીત બુમરાહને બોલ આપ્યો હતો. બુમરાહે એક ઓવરમાં અફઘાનિસ્તાનને બે ઝટકા આપ્યા હતા. રહમત શાહ (36) અને શાહિદી (21)ને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા.  અસગર અફઘાન (8)ને ચહલે બોલ્ડ કરીને અફઘાનિસ્તાનને પાંચમો ઝટકો આપ્યો હતો. નજીબુલ્લાહ જાદરાન (21)એ નબી સાથે 36 રનની ભાગીદારી કરી હતી. જાદરાનને હાર્દિક પંડ્યાએ ચહલના હાથે કેચ કરાવીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. રાશિદ ખાન 14 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. મોહમ્મદ નબી (52) રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. નબીએ 55 બોલનો સામનો કરતા 52 રન ફટકાર્યા હતા.  ભારત તરફથી શમીએ ત્રણ તથા બુમરાહ, હાર્દિક પંડ્યા અને ચહલે બે-બે વિકેટ ઝડપી હતી.  કોહલીએ રાહુલ-શંકર સાથે અડધી સદીની ભાગીદારી કરી
ભારતની પ્રથમ વિકેટ 7 રન પર પડી હતી. ત્યારબાદ રાહુલ અને કોહલીએ ઈનિંગને સંભાળી. બંન્નેએ બીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર જ્યારે 64 રન હતો ત્યારે રાહુલ આઉટ થયો હતો. ત્યારબાદ ક્રીઝ પર આવેલા વિજય શંકરની સાથે કોહલીએ ઈનિંગને આગળ વધારી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર જ્યારે 122 હતો, ત્યારે શંકર આઉટ થયો હતો. શંકરે 41 બોલમાં 29 રન બનાવ્યા હતા.  કોહલીની વિશ્વકપમાં સતત ત્રીજી અડધી સદી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક અડધી સદી ફટકારી હતી. આ વિશ્વકપમાં તેની ત્રીજી અને આંતરરાષ્ટ્રીય વનડે કરિયરની 52મી અડધી સદી છે. તેણે 63 બોલનો સામનો કરતા 37 રન બનાવ્યા હતા. આ દરમિયાન પાંચ ચોગ્ગા લગાવ્યા હતા.  ધોનીની ધીમી ઈનિંગ
પાંચમાં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા ધોનીએ ધીમી ઈનિંગ રમી હતી. તેણે 52 બોલમાં માત્ર 28 રન બનાવ્યા હતા. આ દરમિયાન ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ધોનીની સ્ટ્રાઇક રેટ 53.86ની રહી હતી. તેણે કેદાર જાધવ સાથે પાંચમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં બંન્નેએ મળીને કુલ 84 બોલનો સામનો કર્યો હતો. કેદાર જાધવે આ વિશ્વકપની પોતાની પ્રથમ અડધી સદી ફટકારતા (52) રન બનાવ્યા હતા. તેણે 67 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.