રાજકોટના પાંચ વિસ્તારમાં અંધારપટ્ટ

  • રાજકોટના પાંચ વિસ્તારમાં અંધારપટ્ટ
    રાજકોટના પાંચ વિસ્તારમાં અંધારપટ્ટ

સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 681 ફિડર, 66 ટીસી બંધ : 476 થાંભલા જમીનદોસ્ત
રાજકોટ તા.14
વાયુ વાવાઝોડાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. 80 કિમીની ઝડપે પવન ફુંકાતા વીજથાંભલા, તાર તુટી પડતા વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો છે. ગઇકાલે જ ઉર્જામંત્રીએ રાજકોટમાં એવો દાવો કર્યો હતો કે કલાકોની અંદર જ ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત થઇ જશે પરંતુ વાવાઝોડાએ મંત્રીના દાવા ઉપર પાણીઢોળ કરી દીધુ છે.
ગઇકાલ રાતથી જ વાવાઝોડાની અસરના કારણે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો છે. તેના કારણે રાજકોટ શહેરમાં પણ પાંચ જેટલા ફીડરો બંધ થઇ જવા પામ્યા છે. જેથી શહેરના મોટા પાંચ વિસ્તારોમાં અંધકાર છવાઇ ગયો છે. અંદાજે 1 લાખથી વધુ મકાનમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે.
રાજકોટ શહેરના રેલનગર, જંકશન પ્લોટ, ગાયકવાડી, જીલ્લા ગાર્ડન, રવિરત્ન પાર્ક સહિતના વિસ્તારોના ફીડરો બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. રાજકોટ ગ્રામ્યમાં 57 ફીડર બંધ થયા છે અને સાત જેટલા વીજથાંભલા જમીનદોસ્ત થયા છે. મોરબીમાં 9 ફીડર, પોરબંદરમાં 

125 ફીડર, જૂનાગઢમાં 176, જામનગરમાં 150, અંજારમાં 3, ભાવનગરમાં 14, બોટાદમાં 16, અમરેલીમાં 59, સુરેન્દ્રનગરમાં 62 મળી કુલ 681 ફીડર બંધ થયા છે. જ્યારે પોરબંદરમાં 1, જૂનાગઢમાં 60, જામનગરમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 1, અમરેલીમાં 1 મળી કુલ 66 ટીસી બંધ થયા છે.
આ ઉપરાંત પોરબંદરમાં 97, જૂનાગઢમાં 76, જામનગરમાં 55, ભૂજમાં 8, અંજારમાં 2, ભાવનગરમાં 48, બોટાદમાં 1, અમરેલીમાં 53, સુરેન્દ્રનગરમાં 29 મળી કુલ 476 વીજથાંભલાઓ પડી ગયા છે. જ્યારે ખેતીવાડીના 671 ફીડર બંધ હોવાનું પીજીવીસીએલના સતાવર સૂત્રોએ જણાવ્યું છે. વાવાઝોડાની અસરના કારણે ગતરાતથી જ તોફાની પવન સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ તુટી પડયો છે. તેના કારણે પીજીવીસીએલને લાખો રૂપિયાનું નુકસાન પહોચ્યું છે.