જૈન ગ્રંથ ‘યશોલતા’ પર દેશના પ્રખર વિદ્વાનો મનોમંથન કરશે

  • જૈન ગ્રંથ ‘યશોલતા’ પર દેશના પ્રખર વિદ્વાનો મનોમંથન કરશે
    જૈન ગ્રંથ ‘યશોલતા’ પર દેશના પ્રખર વિદ્વાનો મનોમંથન કરશે

રાજકોટ માટે આ ગૌરવપ્રદ ઘટના : પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા
ઋષિમુનિઓની આધ્યાત્મ વિદ્યા અને પંડિતોની તર્ક વિદ્યાના સમન્વય પર ભારતની સંસ્કૃતિ રચાયેલ છે. જેમ ટ્રેન બે પાટા પર ચાલે છે તે જ રીતે આ બન્ને વિદ્યા પર ભારતીય સંસ્કૃતિ આગેકૂચ કરી રહી છે. તર્કવિદ્યામાં શિરમોર સમો ગ્રંથ છે. ‘ગુઢાર્થતત્ત્વાલોક’ છે. આ જટિલ, ગુઢ ગંભીર ગ્રંથનું 21 વર્ષની વયે સરળ રીતે વિવેચન કરવું એ ખૂબ ગૌરવપ્રદ ઘટના છે. જેમ ગુલાબની સુગંધ સર્વત્ર પ્રસરે છે તે જ રીતે આ ગ્રંથની વાત દિલ્હી સુધી પહોંચતા આઈસીપીઆરના નિવૃત્ત અધિકારી એસ.આર.ભટ્ટે લખનૌ અને દિલ્હીના બદલે મુનિરાજ રાજકોટમાં હોવાથી સામેથી આ સેમિનારના આયોજન માટે સુચન કર્યું એ રાજકોટ માટે પણ ગૌરવ લેવા જેવી બાબત છે.
પૂ.ગુરુદેવના આશીર્વાદથી કઠિન કાર્ય થઈ શકયું: પૂજ્ય ભક્તિ યશવિજયજી મ.સા.
જેમ બાળક જ્યારે કોઈ સુંદર ચિત્ર બનાવે ત્યારે સૌ પ્રથમ ર્માંને બતાવે અને ર્માંના ચહેરાની ખુશી જોઈને આનંદ પામે તે જ રીતે પૂજ્ય ગુરુદેવને પુરા કરવા માટે આ જટિલ ગ્રંથનું વિવેચન કરવાનું બીડુ ઝડપ્યું. ‘ગૂઢાર્થતત્ત્વાલોક’ ખૂબ જ જટિલ ગ્રંથ છે. અનેક વખત અટકયો છું પરંતુ પૂ.ગુરુદેવના માર્ગદર્શન અને આશીર્વાદથી ફરી આગળ વધ્યો છું. પૂજ્ય યશોવિજયજી મહારાજાના શિષ્ય પૂજ્ય ભક્તિયશવિજયજી મ.સા.એ ‘યશોલતા’નું વિવેચન કર્યું : 900 શ્ર્લોકોનું વિવેચન 90000 શ્ર્લોકો કરી નાની વયે સિદ્ધિ મેળવી : ભારત સરકારે નોંધ લઈ સેમિનારનું આયોજન કર્યું પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાના શિષ્ય પૂજ્યભક્તિયશ વિજયજી મ.સા.એ વિવેચન કરેલ ‘યશોલતા’ ગ્રંથ પર તા.16થી 29 જૂનના રોજ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ભારતમાંથી પ્રખર વિદ્વાનો રાજકોટના આંગણે ઉપસ્થિત રહેશે.
આ માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શ્રી જાગનાથ સંઘના પ્રમુખ દિનેશભાઈ પારેખે પ્રાથમિક માહિતી આપી હતી. આ વર્કશોપ વિશે વધુ માહિતી આપતા પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાએ જણાવ્યું હતું કે વિશ્ર્વનો સૌથી વધુ કઠીન મનાતો ગ્રંથ છે. સંસ્કૃતમાં લખાયેલો ‘ગૂઢાર્થતત્ત્વાલોક’ 18મી સદીના વિદ્વાન સર્વતંત્ર સ્વતંત્ર પંડિત ધર્મદત્ત ઝા જેઓ બચ્ચા ઝાના નામે પ્રખ્યાત હતા. તેમણે 41 પાનાનો 900 શ્ર્લોક ધરાવતો આ ગ્રંથ લખ્યો હતો. 
ભારત સરકાર તરફથી આ પહેલા આ ગ્રંથને સમજવા માટે લાખો રૂપિયાના ખર્ચે વિવિધ વર્કશોપ ગોઠવવામાં આવ્યા હતા પરંતુ તેને સમજવામાં ધારી સફળતા મળતી નહોતી. પરંતુ ભક્તિયશવિજયજીએ પોતાના જ્ઞાનાભ્યાસ માટે આસાન ગ્રંથને બદલે સૌથી વધુ જટીલ ગ્રંથ પર પસંદગી ઉતારી. દૈવી કૃપા અને ગુરુવર્યના આશીર્વાદે તેમને પ્રારંભિક સફળતા મળતી ગઈ અને જોતજોતામાં 900 શ્ર્લોકનું વિવેચન 90,000 શ્ર્લોકમાં થયું. એટલે કે 28,800 અક્ષરોને 28,80,000 શબ્દોમાં ઢાળવામાં આવ્યા. માત્ર 41 પાનાના પુસ્તકમાંથી 4500 પાનાનો 14 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ તૈયાર થયો.
પણ આટલો જટીલ ગ્રંથ અને એ પણ નેવું હજાર શ્ર્લોકના વિવેચન સાથે આટલા ટૂંકા ગાળામાં કોઈ મનુષ્ય દ્વારા દૈવી કૃપા વિના સંભવી જ ન શકે તેવું વિદ્વાનોએ પ્રથમ દ્રષ્ટીએ આ ગ્રંથ જોતા જણાવ્યું હતું. ત્યારબાદ ગત વર્ષે ભારતના સર્વોચ્ચ વિદ્વાન ગણાતા રાજારામ શુક્લાજી ખાસ આ ગ્રંથના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂજ્યપાદ સુવિશાળ ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્ર્વરજી મહારાજા, સહિત અન્ય અનેક સંતો મહાનુભાવોએ યશોલતા ગ્રંથના રચયિતા શ્રી ભક્તિયશસૂરીશ્વરજીને આ માટે અભિનંદન પાઠવ્યા હતા. 
વધુ વિગતો આપતા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજીએ જણાવ્યું હતું કે, આવા આ મહાન ગ્રંથ પર ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ, માનવ સંશાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા શ્રી જાગનાથ શ્ર્વે. મૂ. જૈન સંઘ, દિવ્યદર્શન ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી 14 દિવસીય વર્કશોપ આગામી 16 જૂનથી 29 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે. આ વર્કશોપમાં ભારતભરમાંથી અનેક વિદ્વાન પંડિતો, પ્રોફેસરો ભાગ લેવા આવી રહયાં છે. જેમાં શ્રી કાશીના મહામહોપાઘ્યાય, રાષ્ટ્રપતિ સન્માનિત વશિષ્ઠ ત્રિપાઠીજી, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્ર્વ વિદ્યાલય, કુલપતિ શ્રી રાજારામ શુકલજી, નાગપુરના કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્ર્વ વિદ્યાલયના કુલપતિ, શ્રીનિવાસ વરખેડીજી, તિરૂપતીની રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, ફેકલ્ટી ઓફ દર્શન, ડીન શ્રી કે.ઈ. દેવનાથન, ઉતરાખંડ સંસ્કૃત વિશ્ર્વ વિદ્યાલયના પૂર્વ કુલપતિ પ્રો. પીયૂષકાંત દીક્ષિતજી, દિલ્હીની લાલબહાદુર સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના વિભાગાઘ્યક્ષ પ્રો. વિષ્ણુપાદ મહાપાત્રા બેંગલુરુંની કર્ણાટક સંસ્કૃત વિશ્ર્વ વિદ્યાલય ફેકલ્ટી ઓફ શાસ્ત્ર, ડીન, પ્રો. બી.વીં. વેકટરામનજી, તિરુપતિની રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના ન્યાય વિભાગના પ્રાધ્યાપક, રામલાલજી શર્મા, એર્નાકુલમની ચિન્મયા વિશ્વ વિદ્યાપીઠના સહ પ્રાધ્યાપક ગોપાલદૈસીકનજી તથા દિલ્હીની લાલબહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, ફેકલ્ટી ઓફ દર્શનના ડીન પ્રો. હરેરામ ત્રિપાઠીજી જેવા ભારતના દિગ્ગજ વિદ્વાનો ઉપસ્થિત રહેશે. 
યુજીસી એચઆરડીસી ભવનમાં વર્કશોપનો પ્રારંભ 16 જૂનના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રજી ભવનના વ્યાસ હોલમાં સવારે 10:00 કલાકે કુલપતિ નીતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ વિજયભાઈ દેશાણી, સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી,ક્લાધરભાઈ આર્ય, સંઘ કાર્યકર જયંતીભાઈ ભાડેસિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે. સવારે 9:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગાર્ડી ગેટથી આ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજીની નિશ્રામાં શોભાયાત્રાનો પ્રારંભ થશે.
ઉલ્લેખનીય છે કે વર્કશોપના પ્રારંભ બાદ લાગ-લગાટ 14 દિવસ સુધી ભારતભરમાંથી પધારેલ વિશિષ્ઠ યુનિવર્સિટીના પ્રોફેસરો આ ગ્રંથનો અભ્યાસ કરશે. વર્કશોપના અંતિમ દિવસે બે કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે એક દિવસીય વર્કશોપનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે અને જાહેર જનતાને પણ આ લાભ મળી શકે તે માટે શ્રી રામકૃષ્ણ આશ્રમના મેડિકલ સેન્ટરના પ્રાંગણમાં આવેલા વિવેક હોલમાં વિશિષ્ઠ સમાપન સમારોહનું સંસ્કૃત મહોત્સવ રૂપે આયોજન તારીખ 29/6/2019ના સાંજે 4 થી 6 સુધી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ સાથે સંકળાયેલ તમામ મહાનુભાવોને તથા સમસ્ત ગુજરાત, સૌરાષ્ટ્ર તથા રાજકોટ માટે સવિશેષ ગૌરવભૂત આ પ્રસંગને માણવા વધાવવા સર્વે રાજકોટવાસીઓને ઉપસ્થિત રહેવા શ્રી સંઘે આમંત્રણ પાઠવ્યું છે. 
આ વર્કશોપની વ્યવસ્થાની તડામાર તૈયારીઓમાં શ્રી જાગનાથ જૈન સંઘની સાથે સાથે માંડવી ચોક જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ જૈન સંઘ, પારસધામ જૈન સંઘ, ગાંધીગ્રામ જૈન સંઘ, વૈશાલી નગર જૈન સંઘ, નાગેશ્ર્વર જૈન સંઘ, વર્ધમાન નગર જૈન સંઘ, શ્રમજીવી દેરાસર, આનંદ નગર જૈન સંઘ, પંચવટી જૈન સંઘ, વગેરે સહયોગ આપી રહ્યા છે. એલર્ટ યંગ ગ્રુપ, જૈન બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, ગિરિરાજ સેવા ગ્રુપ, જાગનાથના યુવાનો, બ્રાહ્મી સુંદરી લેડીઝ જૈન ગ્રુપ, વિવિધ જૈન શ્રેષ્ઠીઓ તથા જૈન જૈનેતર સમાજના ભાઈઓ-બહેનો ઉપરાંત સંસ્કૃત ભાષા પ્રેમી અને ભારતીય સંસ્કૃતિ પ્રેમીઓ ઉત્સાહભેર કાર્યરત છે.