રેસકોર્ષમાં તા.22 થી 26 ઓગષ્ટ જન્માષ્ટમીનો લોકમેળો

  • રેસકોર્ષમાં તા.22 થી 26 ઓગષ્ટ જન્માષ્ટમીનો લોકમેળો
    રેસકોર્ષમાં તા.22 થી 26 ઓગષ્ટ જન્માષ્ટમીનો લોકમેળો

આગામી 25મીએ કલેકટરના અધ્યક્ષસ્થાને લોકમેળા સમિતિની બેઠક: નવા નિર્ણયની થશે જાહેરાત
232 રમકડા, 14 આઇસ્ક્રીમના સ્ટોલની હરાજી કરાશે: કુલ 352 સ્ટોલ ઉભા કરાશે રાજકોટ તા.14
શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો... શ્રાવણ મહિના દરમિયાન રાજકોટમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના લોકમેળાનું કાઉન્ટડાઉન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી શરૂ કરવામાં આવ્યું છે. રેસકોર્ષ મેદાનમાં આગામી તા.22 થી 26 ઓગસ્ટ દરમ્યાન પાંચ દિવસનો લોકમેળો યોજવાની જાહેરાત સરકારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસીય લોકમેળા માટેની આગામી તા.25 મીએ કલેકટર ડો.રાહુલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને લોકમેળા સમિતિની બેઠક યોજવામાં આવનાર છે. જેમાં મેળા અંગે કેટલાક મહત્વના નવા નિર્ણય લેવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે.
ગત વર્ષે રાજકોટ લોકમેળાનું નામ ગોરસ રાખવામાં આવ્યું હતું. જે નામ માટે લોકો પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા હતા. સંભવિત આ વખતે પણ લોકમેળાના નામ માટે લોકો પાસેથી નામ મંગાવવામાં આવશે. ગત વર્ષે 400 થી વધુ જેટલા જુદા જુદા નામ સુચવ્યા હતા. તેમાંથી ગોરસ મેળાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું.
રેસકોર્ષ મેદાનમાં તા.22 થી 26 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ માટે તંત્ર દ્વારા એક મહિના અગાઉ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મેળામાં કુલ 35ર સ્ટોલ ઉભા કરવામાં આવનાર છે. તેમાંથી 57 યાંત્રીક સ્ટોલ, 332 રમકડાના સ્ટોલ, 14 આઇસ્ક્રીમના ચોકઠા, નાની-મોટી ચકરડીના 14 સહિત કુલ 36 સંસ્થાઓના સ્ટોલ ઉભા કરવામાં આવનાર છે.
352 સ્ટોલમાંથી 232 રમકડાના સ્ટોલની હરરાજી કરવામાં આવશે. આ ઉપરાંત 14 આઇસ્ક્રીમ અને યાંત્રીક સ્ટોલની હરરાજી કરવામાં આવશે. ગત વર્ષે હરરાજીમાં જીલ્લા કલેકટર તંત્રને રેકર્ડ બ્રેક સ્ટોલની આવક થઇ હતી. અંદાજે સવા કરોડથી વધુ રકમમાં સ્ટોલ વેચાયા હતા. આ વખતે પણ ગત વર્ષની તુલના મુજબ જ સ્ટોલ વેચાય તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન અંદાજે 8 થી 12 લાખ જેટલા લોકો મેળો માણવા આવતા હોય છે. આ પાંચ દિવસ દરમ્યાન રમકડા, આઇસ્ક્રીમ અને ખાણીપીણીના ધંધાર્થીઓને જબરી આવક થાય છે. મેળા દરમ્યાન મુખ્ય સ્ટેજ ખાતે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યા છે. મ્યુઝીકલ નાઇટ, મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવનાર છે.
લોકમેળાનો રોડમેપ પણ વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ બનાવી લેવામાં આવ્યો છે. 
ચાર સ્થળેથી એન્ટ્રી આપવામાં આવશે. ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા મેળા દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. પાર્કીંગ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.