સાઈક્લોન વાયુનો ખતરો હજી ટળ્યો નથી, ઊંધુ ફરીને કચ્છમાં ત્રાટકવાનો ખતરો

  • સાઈક્લોન વાયુનો ખતરો હજી ટળ્યો નથી, ઊંધુ ફરીને કચ્છમાં ત્રાટકવાનો ખતરો
    સાઈક્લોન વાયુનો ખતરો હજી ટળ્યો નથી, ઊંધુ ફરીને કચ્છમાં ત્રાટકવાનો ખતરો

નવી દિલ્હી: સાઈક્લોન વાયુનો ખતરો ગુજરાત માથેથી ટળી ગયો હોવાનું બધાને લાગી રહ્યું છે ત્યારે જ એક માઠા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના એક ઉચ્ચાધિકારીના જણાવ્યા અનુસાર વાયુ સાઈક્લોને તેની ધરી બદલી છે અને હવે તે ઊંધુ ફરી રહ્યું છે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂનની વચ્ચે ગમેત્યારે ગુજરાતના કચ્છ પર ત્રાટકી શકે છે. જો કે, આ વખતે તેની તીવ્રતા પહેલાં જેટલી નહીં હોય. કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને પીટીઆઈને જણાવ્યું હતું કે, વાયુ સાઈક્લોનનો ખતરો હજી ટળ્યો નથી. તેની તીવ્રતા ચોક્કસપણે ઘટી રહી છે. પરંતુ તે ડીપ ડીપ્રેશન અથવા તો સાઈક્લોનિક સ્ટોર્મ તરીકે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત સરકારને આ સાઈક્લોનિક સ્ટોર્મના પાછા ફરવા વિશે સાબદી કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ તમામ સંભવિત પગલાં લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સાઈક્લોન વાયુ ગત ગુરુવારે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકવાનું હતું. અલબત્ત, બુધવારે રાત્રે મધદરિયે તેની ધરી બદલાતાં ગુરુવાર સુધીમાં તો તે ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. તે ગુજરાતના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર પાસે થઈને પસાર થઈ ગયું હતું અને દરિયા તરફ આગળ વધ્યું હતું.