સૌરાષ્ટ્ર યુનિ.ના ખેર GTUના રજીસ્ટાર

  • સૌરાષ્ટ્ર યુનિ.ના ખેર GTUના રજીસ્ટાર
    સૌરાષ્ટ્ર યુનિ.ના ખેર GTUના રજીસ્ટાર

રાજકોટ તા,14
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)માં તાજેતરમાં બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠક મળી હતી. નવા સભ્યોની નિયુક્તિ બાદ પહેલી બેઠક મળી હતી. જેમાં યુનિવર્સિટીનું 124 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવા ઉપરાંત રજિસ્ટ્રાર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કે.એન.ખેરની નિયુક્તિ કરવાનો નિર્ણય કરાયો હતો. આમ,યુનિવર્સિટીએ અગાઉ રજિસ્ટ્રાર તરીકે જેમની નિયુક્તિ કરી હતી તેને સરકારે રિજેક્ટ કરતાં યુનિવર્સિટીએ આજ મેરિટના આધારે બીજા ક્રમે આવતાં ઉમેદવારની પસંદગી કરવાનો નિર્ણય કરી લીધો હતો. 
યુનિવર્સિટીના નવા રજિસ્ટ્રાર તરીકે કોની પસંદગી કરવી તે મુદ્દે છેલ્લા દોઢ વર્ષથી યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ વચ્ચે વિવાદ ચાલતો હતો. અંદાજે દોઢ વર્ષ પહેલા યુનિવર્સિટીએ બીઓજીની બેઠકમાં રજિસ્ટ્રાર માટે આવેલી અરજીઓમાંથી એક નામ પસંદ કર્યું હતું. આ નામ મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવતાં વિભાગે આ નામને રિજેક્ટ કરી દીધું હતું. 
આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયા નવેસરથી કરવા સૂચના આપી હતી. 
યુનિવર્સિટીએ સળંગ દોઢ વર્ષ સુધી આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી નહોતી. હાલમાં બીઓજીના કેટલાક મેમ્બરની મુદત પણ પૂર્ણ થઇ ચૂકી હોવાથી નવા સભ્યોની નિમણૂક કરી દેવામાં આવી છે. આ સભ્યો સાથેની પહેલી બેઠકમાં યુનિવર્સિટીનું 124 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુલ ચાર તબક્કામાં યુનિવર્સિટીના વિકાસ કરવા અંગેના નિર્ણયો પણ કરવામાં આવ્યા હતા. 
સૌથી મહત્વની વાત એ હતી કે, રજિસ્ટ્રાર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતાં કે.એન.ખેરની નિમણૂક કરવાનો નિર્ણય સર્વાનુમતે કરી દેવામાં આવ્યો હતો. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ નવીનચંદ્ર શેઠ કહે છે કે અગાઉ સરકારને રજિસ્ટ્રાર માટે બે નામ મોકલવામાં આવ્યા હતા. એક નામ રિજેક્ટ કરવામાં આવતાં બીજા ઉમેદવારને પસંદ કરવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં મીનીટ્સ મંજૂર થાય બાદ હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા કે.એન.ખેરને આગામી પાંચ વર્ષ માટે રજિસ્ટ્રાર બનવા માટે સત્તાવાર કહેવામાં આવશે. 
નોંધનીય છે કે અગાઉ સરકારે રજિસ્ટ્રાર તરીકે એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રોફેસર મિહીર શાહની નિમણૂક કરી હતી. પરંતુ આ પ્રોફેસર પોતે રજિસ્ટ્રારનો ચાર્જ સ્વીકારે તે પહેલા જ યુનિવર્સિટીએ પોતાના પરીક્ષા નિયામકને રજિસ્ટ્રારનો ચાર્જ આપી દીધો હતો. આમ, સળંગ બીજી વખત યુનિવર્સિટી સત્તાધીશોએ સરકારની નિર્ણયને અવગણીને પોતાની રીતે રજિસ્ટ્રારની નિયુક્તિ કરવાનો નિર્ણય કર્યો છે.