મેડિકલના પરિણામ સામે રિટ, પ્રવેશ પ્રક્રિયા મોકૂફ

  • મેડિકલના પરિણામ સામે રિટ, પ્રવેશ પ્રક્રિયા મોકૂફ
    મેડિકલના પરિણામ સામે રિટ, પ્રવેશ પ્રક્રિયા મોકૂફ

મેડિકલ-ડેન્ટલમાં કુલ બેઠકોના 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટામાં આપવામાં આવે છે. જે પ્રમાણે ગુજરાતમાંથી કુલ 199 બેઠકો ફાળવવામાં આવી છે.વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકમાં પ્રવેશ માટે અલગથી ફોર્મ અને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ઓલ ઇન્ડિયામાં વિદ્યાર્થીઓને જે રાજયની કોલેજમાં પ્રવેશ મળે ત્યાં જવું પડતું હોય છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો ખાલી પડે તો જે તે રાજયોને પરત આપવામાં આવતી હોય છે. ગત વર્ષે પણ ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકોમાં પ્રવેશ માટે ભારે વિવાદ ઊભો થતાં કાર્યવાહીમાં વિલંબ થયો હતો. રાજકોટ તા,14
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે કાર્યવાહી થતી હોય છે. તાજેતરમાં ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આગામી તા.19મીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કરાયું હતું. આ કાર્યક્રમ જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ કાર્યક્રમ ઉતારી લેવાયો હતો. કારણ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા નીટના પરિણામ સામે કેટલાક વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં રિટ કરી છે. હવે આ રિટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે કાર્યવાહી સ્થગિત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. 
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટામાં અનામત રાખવામાં આવે છે. આ બેઠકોની કાર્યવાહી સીધી ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. હાલમાં સમગ્ર દેશમાં ઓલ ઇન્ડિયા ક્વોટાની અંદાજે 3500 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો માટે આગામી તા.19મીથી કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કરાયું હતું. આ માટે પ્રવેશનો વિસ્તૃત કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો હતો. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે અચાનક આ કાર્યક્રમ વેબસાઇટ પરથી ઉતારી દેવામાં આવ્યો છે. કારણ કે જુદા જુદા રાજયોના વિદ્યાર્થીઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં રિટ કરી છે. 
આ રિટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું તે અને અગાઉ જાહેર કરાયેલી આન્સર કી બન્ને વચ્ચે 3 પ્રશ્નોની ભૂલ છે. સામાન્ય રીતે એક પ્રશ્ન 4 માર્કસનો ગણવામાં આવે તો 12 માર્કસની ભૂલ છે. ખાસ કરીને બાયોલોજીના પ્રશ્નપત્રમાં આ પ્રકારની ભૂલ આવી છે. વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં રિટ કરીને આ અંગે તાકીદે સુનાવણી કરવા રજૂઆત કરી છે. જેના પગલે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે ઓલ ઇન્ડિયા ક્વોટા માટે જે કાર્યક્રમ જાહેર કર્યો હતો તે ઉતારી લીધો છે.